ઇશ્વરના કૃપાપાત્ર બનવા સંત, સદ્ગુરુને સાથે રાખવા પડે

હરિદ્વાર (ઉત્તરાખંડ), તા. 18 : ચાલુ ઉનાળાની સિઝનમાં ગૌવંશના લીલા ઘાસચારાના નીરણ?તેમજ સમૂહ પિતૃ મોક્ષાર્થેના હેતુએ વાલરામ ગંગાઘાટની સામે કચ્છી આશ્રમના હોલમાં ભુજની દેવલમા જીવદયા સત્સંગ સમિતિના નેજા હેઠળ સમૂહપોથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ઉજવણી કરાઇ હતી. કથાના વક્તા શાત્રી કશ્યપભાઇ જોશીએ ગોકુલમાં ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, જો તમને ઇશ્વરના કૃપાપાત્ર બનવું હોય તો સાચા સદ્ગુરુ-સંતને સાથે રાખવા પડે. ઇશ્વર તરફથી મળેલા દેહને લોકકલ્યાણના કાર્યોમાં ખપાવવાનું હોય છે. વળી, કાયમ ખુશ રહેવા માટે સુવિધાઓ-સગવડો નહીં, પણ સમજણની જરૂર છે. કથાના રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને યાદગાર બનાવવા માટે પ્રસંગની પૂર્વસંધ્યાએ લોકગાયિકા ગીતાબેન રબારી પોતાના સહપરિવાર ઉપસ્થિત રહીને કચ્છી-ગુજરાતી લોકગીત-ભજનની રમઝટ બોલાવીને શ્રોતાઓને મોજ કરાવી દીધી હતી. જયભાઇ વિઠ્ઠા, જેમલભાઇ રબારીએ કથા શ્રવણનો લાભ લીધો હતો. દેવભૂમિ હરિદ્વારમાં ધાર્મિકવિધિ પોથી યજમાનોની સાથે સંઘમાં જોડાયેલા ભાવિકોએ વાલરામઘાટ ખાતે આચાર્ય શ્યામ મહારાજ અને સાગર મહારાજે કરાવી હતી. લોકગાયિકા ગીતાબેન રબારીનું સન્માન મુખ્ય યજમાન પરિવારના દક્ષાબેન ગોસ્વામી, કાયમી દાતા સભીબેન જાટિયા, કમલબેન જોશી અને ઇન્દિરાબેન ગોરે કર્યું હતું. રૂક્ષ્મણીનું પાત્ર ગીતા હરિભાઇ જાટિયા જ્યારે કૃષ્ણનું પાત્ર સંજના નવીન મોતાને પ્રાપ્ત થયું હતું. રૂક્ષ્મણી વિવાહ કરિયાવરના દાતા વૈશાલીબેન સ્મિતગિરિ રહ્યા હતા. વ્યવસ્થામાં કાંતિ મોતા, શાંતિલાલ વ્યાસ, જયશ્રીબેન પેથાણી, નવીન મોતા, વીનેશ બાવા, પ્રાણલાલ બાવા, દમીબેન મોતા, પ્રફુલ ઠક્કર, ભાનુશાલી પરિવાર-હમીરપર સહિતનાઓ સહયોગી બન્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com