કચ્છમાં મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમ યોજાયા

કચ્છમાં મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમ યોજાયા
ભુજ, તા. 18: દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં મહિલાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગાંધીધામ ઉપરાંત ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો તેમજ અંજાર તાલુકાના વરસામેડીની  ભારત વિકાસ પરિષદ મહિલા શાખા દ્વારા મડવર્ક અંગેની કાર્યશાળાનું  આયોજન કરાયું હતું. ડીપીએ દ્વારા એસ.વી.પી. ઓડીટોરીયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમિતા મહેતા સમારોહના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ એન.જી.ઓને પણ આમંત્રિત કરાયા હતા. આ વેળાએ સ્કિટ, ડાન્સ, સહિતની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ ખાતે પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા પાંખના અમિતા મહેતાના નેતૃત્વમાં ડ્રેસ, સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. દિપ્તી ચેલાની દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા અંગે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ વરસામેડી શાખા મહિલા ગ્રુપ  દ્વારા મડવર્કની કાર્યશાળા યોજવામાં આવી હતી. કચ્છી કલાના વિકાસ સાથે મહિલાઓને રોજગારીની તક મળી રહે તે હેતુથી બહેનોને મડવર્કની તાલીમ આપવામાં આવી હતી. સંયોજિકા દિપ્તીબેન ઝાલા, સહ સંયોજિકા વૈશાલીબેન નાયર દ્વારા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. ભારતીબેન નાથાણી દ્વારા મડવર્ક અંગે સમજ આપવામાં આવી હતી.બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનારા તમામને પ્રમાણત્ર એનાયત કરાયા હતા. આયોજનમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ કેશવભાઈ રબારીનો સહકાર મળ્યો હતો. તેજેશ્વર રાવ, પદમાબેન રાવ, વિનોદ મેઘાણી ઉપસ્થિત રહ્યા હતા.નલિયામાં ભગિની મહિલા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અબડાસાની મહિલાઓ આર્થિક સ્વાવલંબીબની શૈક્ષણિક પ્રગતિ કરે તેવો અનુરોધ કરાયો હતો. સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં અબડાસાની પ્રતિભાશાળી મહિલાઓનું  બહુમાન કરાયું હતું. શિક્ષણવિદ્ બંસરીબેન વોરાએ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી તેવું કહીને શિક્ષણક્ષેત્રે આગળ વધવા અપીલ કરી હતી. ધારાશાસ્ત્રી લાલજીભાઇ કટુઆએ ત્રીઓ માટે દૃઢ મનોબળ હોય તો ગમે તેવો પડકાર આસાન બની જાય તેમ જણાવ્યું હતું. શરૂમાં સંસ્થાના પ્રમુખ વાસંતીબેન બ્રહ્મક્ષત્રિયએ સૌને આવકાર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા મહેશ્વરી મીતલ, જોષી શિવાની, ગંઢેર હિનાને ઇનામો અપાયા હતા. સંસ્થાના મંત્રી સંતોષ ઠક્કરે બહેનો માટે રોજગારલક્ષી તાલીમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. વી.આર.ટી.આઇ.ના કેશુભાઇ સોલંકી,  નલિયાના સરપંચ રામજીભાઇ કોલી, પૂર્વ સરપંચ સતીષ ઠક્કર, મહેન્દ્રભાઇ વ્યાસ અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust