ગાંધીધામથી ત્રણ વિશેષ ટેન અંતિમ તબક્કામાં
ગાંધીધામ, તા. 18 : આગામી ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા અને કચ્છમાં રેલસેવાના વિસ્તરણ માટે રેલવેતંત્ર દ્વારા તૈયારીઓ આરંભી છે. આ અંતર્ગત ગાંધીધામથી અમૃતસર, ગાંધીધામ-દહેરાદૂન અને ગાંધીધામ-અમદાવાદના રૂટે ત્રણ વિશેષ ટેન દોડાવવા માટે દરખાસ્ત કરાઈ છે. રેલવે બોર્ડના નિર્ણય બાદ આ સેવાના આરંભ થવા સાથે પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો થશે. દરમ્યાન, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રેલવેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજર દ્વારા ત્રણ વિશેષ ટ્રેન ચલાવવા જરૂરી દરખાસ્ત કરાઈ હતી, જેમાં ગાંધીધામ-દહેરાદૂન સપ્તાહિક ટેનના (દર સોમવારે ગાંધીધામથી તથા દર બુધવારે દહેરાદૂનથી) બંને તરફે 27 માર્ચથી 28 જૂન સુધી 28 ફેરા તથા ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક ટ્રેન (દર શુક્રવારે ગાંધીધામથી તથા દર શનિવારે અમૃતસરથી ઉપડશે) બંને તરફે 31 માર્ચથી એક જુલાઈ સુધી 28 ફેરા, ગાંધીધામ - અમદાવાદ વિશેષ દૈનિક ટેન 27 માર્ચથી 30 જૂન સુધી બંને તરફ 192 ફેરા દોડાવવાનો સમાવેશ કરાયો છે. પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને આ ટેનોને નિયમિત ચલાવવા માટે નિર્ણય લેવાશે. દેશની રાજધાની દિલ્હીને જોડતી સુપરફાસ્ટ ટેનની માગણીને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-અમૃતસર ટ્રેન દૈનિક દોડાવાયા તેવી સંભાવાનાઓ આંતરીક સૂત્રોએ વ્યકત કરી હતી. નોંધપાત્ર છે કે, કચ્છથી ઉત્તર ભારત સાથે જોડતી વિશેષ ટેન ચલાવવા માટે છેલ્લા લાંબા સમયથી માંગ છે. આ સરહદી મુલકમાંથી મોટી સંખ્યામાં આસ્થાળુઓ હરિદ્વારમાં ધાર્મિક કાર્યક્રમમાં જાય છે. આ રૂટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને લાભ મળશે. ચારધામ યાત્રાએ જનારાની પણ સુવિધામાં વધારો થશે. ગાંધીધામ-અમદાવાદ રૂટની ટ્રેનથી પ્રવાસમાં સરળતા અનુભવાશે.કચ્છમાં રેલવે સેવાના વિસ્તણ માટેની મહત્ત્વપૂર્ણ ટેન સેવા અંગે રેલવે બોર્ડ દ્વારા મંજૂરી અપાયા બાદ સેવાનો આરંભ કરવામાં આવશે. ત્યારબાદ બૂકિંગ સહિતની પ્રક્રિયા આગળ ધપાશે તેવુ રેલવેના જાણકારોએ જણાવ્યું હતું.દરમ્યાન, આ ત્રણેય ટ્રેન અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારત, પંજાબ અને અમદાવાદને રોજની ટ્રેનથી સાંકળવાની તમામ કચ્છીઓની માગણી રહી છે.પોતે રેલવે મંત્રાલયમાં એક સાસંદ તરીકે સતત અવાજ ઊઠાવ્યો છે. હવે સમયપત્રક બની રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. કચ્છથી હરિદ્વાર તરફ યાત્રિકોનો રોજ ધસારો રહે છે. એટલે અત્યારે ભલે સાપ્તાહિક ટ્રેન ડાયરેક્ટ મળી જાય, પછી દૈનિક કરી શકાય છે. એવી જ રીતે અમૃતસર માટે સપ્તાહમાં ગાંધીધામથી ટ્રેન આપવાની જોગવાઇ કરવામાં આવેલી છે. ગાંધીધામ - અમદાવાદ ઇન્ટરસિટીયે ભુજથી કરાવવાની વાત છે અને આજે જ ડી.આર.એમ. સાથે વાત થયેલી છે. એટલે અમદાવાદ સુધીની રોજની ટ્રેન ભુજ-અમદાવાદ કરવામાં આવશે. ત્રણેયના સમયપત્રક તૈયાર થઇ રહ્યા છે.બીજી બાજુ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ સાથે જોડાયેલા ધારાશાત્રી ભરતભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ગાંધીધામથી અમદાવાદની ડેઇલી ટ્રેનનો કોઇ?મતલબ નથી, ભુજથી જોઇએ. રોજ અનેક લકઝરી બસો દોડે છે, ત્યારે અકસ્માતનો ભય રહે છે. આવા સંજોગોમાં કચ્છનો અમદાવાદ સાથે રોજિંદો સંપર્ક હોવાથી ભુજ-અમદાવાદ ટ્રેન દરરોજ શરૂ કરવી જોઇએ. અગાઉ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. ગાંધીધામ ચેમ્બરે આ નિર્ણયને આવકાર્યો હતો. રેલ સેવાના વિસ્તરણ થકી સંકુલના વિકાસને ગતિ મળશે. આ માટે લાંબા સમયથી સંબંધિતો સમક્ષ રજૂઆતો કરાઈ હતી. ગાંધીધામ ગોપાલપુરીમાં વાય જંકશન અને હાલના સ્ટેશનને અદ્યતન બનાવવા સહિતની ચેમ્બરને માંગ કરી હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ અને મંત્રી મહેશભાઈ તિથાર્ણીએ આભારની લાગણી વ્યકત કરી ગાંધીધામ-અમદાવાદ ટેનમાં એસી કોચ જોડવા તંત્ર સમક્ષ અનુરોધ કર્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com