રાપર-ભચાઉમાં 77 વીજજોડાણમાં ગેરરીતિ ઝડપાઈ

ગાંધીધામ, તા. 18 : કચ્છ જિલ્લામાં વીજચોરી કરતા તત્વો સામે લાલઆંખ કરીને વીજવિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે, જેમાં પાછલા બે દિવસમાં રાપર તથા ભચાઉ પંથકમાં જુદા જુદા સ્થળોએ તપાસ કરવામાં આવતા 77 જોડાણમાં ગેરરીતિ જણાઈ આવી હતી. કચ્છમાં વીજચોરીનું દૂષણ ડામવા પીજીવીસીએલ દ્વારા જુદા જુદા સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ભચાઉ વિભાગીય કચેરી હેઠળના બાનિયારી, ભવાનીપુર, લાકડિયા, રાજણસર, આધોઈ, ચિત્રોડ, આડેસર, લોદ્રાણી તથા શહેરી વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઈજનેરોની 83 જેટલી ટુકડીએ તપાસ હાથ ધરી હતી, જેમાં રહેણાક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરેના 464 જેટલા જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 77 વીજજોડાણમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ જણાઈ આવી હતી. પરિણામે 51.65 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર મારફતે થતી વીજચોરી પકડી પાડવામાં આવી હતી, ઉપરાંત અંજાર વર્તુળ કચેરી હેઠળ કુલ્લે 29,499 જોડાણની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 3309માં ગેરરીતિ જણાઈ આવતા 1460 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યા હતા. સાથેસાથે સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોમ્સની અનેક ખાણોમાં ઓચિંતી ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. મીઠાંના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતી હોવાનું ધ્યાને આવતા આવા તત્વો ઉપર પણ અંકુશ લગાડવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવવામાં આવનારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust