ગાંધીધામમાં જીએસટી ચોરીનું કારસ્તાન કાયદાની ઝપટે
ગાંધીધામ, તા. 18 : કંડલા બંદરે વિદેશથી આવેલા પેટકોક કોલસાને સ્ટીમ કોલ દર્શાવી રાજ્ય અને કેન્દ્રીય જીએસટી વિભાગને ભરવાપાત્ર થતી કરની રકમ 7,44,868.80ની સામે માત્ર રૂા. 1,28,642.80ની ભરપાઈ કરી રૂપિયા 6,16,226ની રકમ હજમ કરી જવાનો મામલો પોલીસ ચોપડે આવ્યો છે.ગાંધીધામ બી ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગઈ તા.13/3ના રાત્રિના 9:10 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે અહીંના ઝોન ગોલાઈ પાસેથી ટ્રક ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 2736ના ચાલક પોપટ શક્તા ભરવાડ રહે, કારગો, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 2923ના ચાલક વાલજી કરશન કોલી રહે, તુણા, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 3770નો ચાલક બીમલેશસિંગ રાજેશ્વરસિંગ, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 1300નો ચાલક વિકાસ રામનરેશ રાય અને ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 1445નો ચાલક શિવજી સુગ્રીવ પાસવાન રહે, ત્રણેય ડી.બી. ટ્રાન્સલીંક ગોડાઉન, ભારાપરને રોકાવી તપાસ કરાઈ હતી. વાહનોમાંથી 1,79,920 કિલો કોલસો મળી આવ્યો હતો. ચાલક પાસે આધાર પુરાવાની માગણી કરતાં કે.એસ.છાયા કન્સોલિટેડર્સ પ્રા.લિ.ના ઈમ્પોર્ટ ગેટ પાસ તેમજ ડી.બી. ટ્રેડલીંક ટ્રાન્સપોર્ટની બિલ્ટી અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાના વે બ્રિજ નં.15ની વજન કાંટા રસીદ રજૂ કરી હતી. ચાલકોની પૂછતાછમાં સુપરવાઈઝરના કહેવાથી ટ્રેઈલરો ડી.બી.ટ્રાન્સપોર્ટની માલિકીના હોવાનું અને વિદેશથી કોલસો મગાવી કંડલાથી ભારાપર કંપનીના પ્લોટમાં મૂકવા જતા હોવાનું ચાલકોએ જણાવ્યું હતું. તેમજ કંપનીના રમેશભાઈ દેવદાનભાઈ ડાંગર રહે, માથકે કોલસો ભરાવી આપ્યો હોવાનું ઉમેર્યુ હતું. ઈ-વે બિલ બાબતે સુપરવાઈઝર બલવીરસિંહ ઝાલાએ પાછળથી રજૂ કરવાની વાત કરી હતી. એલસીબીએ તમામ વાહનો હસ્તગત કરી કોલસાને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાવ્યો હતો. ડી.બી. ટ્રાન્સલીંકના મેનેજર નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ પાછળથી બિલ્ટી, ગેટપાસ અને ઈ-વે બિલ રજૂ કર્યા હતા, જેમાં ગૌતમ ફ્રેઈટ પ્રા.લિ.?(સી.એચ.એ) પાસેથી 70 હજાર ટન ઈન્ડોનેશિયન સ્ટીમ કોલ મગાવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ દરમ્યાન પરીક્ષણમાં પેટકોક કોલસો હોવાનું ખુલ્યું હતું. ઉચ્ચ ગુણવત્તાનો કોલસો હોવા છતાં તેને સ્ટીમ કોલ દર્શાવી રાજ્ય અને કેન્દ્રીય જીએસટીમાં પૂરતો કર ન ભરવામાં આવ્યો હોવાનું તેમજ ખોટા બિલ બનાવી કારસ્તાન આચરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી એલસીબીના કોન્સ્ટેબલ સંજયકુમાર તુલશીભાઈ મેવાડાએ ડી.બી. ટ્રાન્સલીંકના સંચાલક દિપેન બુજાડ, નરેન્દ્રસિંહ, બિલ અને બિલ્ટી બનાવી સહી કરનાર કર્મચારીઓ સામે છેતરપિંડીની કલમો તળે ફોજદારી નોંધાવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com