પહેલી વન-ડેમાં આયર્લેન્ડ સામે બાંગ્લાદેશની જીત

ઢાકા, તા. 18 :બાંગલાદેશ અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી શ્રેણીની પહેલી વનડે મેચમાં બાંગલાદેશની ટીમે 183 રનના અંતરે જીત મેળવી હતી. મેચમાં બાંગલાદેશે નિયત 50 ઓવરમાં  શાકીબના 93 અને તોહિદના 92 રનની મદદથી 338 રન કર્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 155 રનમાં ઓલઆઉટ થઈ હતી. બંગલાદેશ તરફથી ઈબાદત હુસેને 4 વિકેટ લીધી હતી. આયર્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જો કે પહેલા બોલિંગનો નિર્ણય સફળ રહ્યો નહોતો. મેચમાં શાકીબ અને તોહિદ વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. જેની મદદથી બંગલાદેશની ટીમ મજબૂત સ્થિતિમાં આવી હતી. આ ઉપરાંત મુસ્તફીકુર રહિમે 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 44 રન કર્યા હતા. મેચમાં શાકીબે 89 બોલમાં 93 રન કર્યા હતા જ્યારે તોહિદ રીદોયે 85 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 92 રન કર્યા હતા. આ સાથે બંગલાદેશે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 338 રન કર્યા હતા. જીત માટે 339 રનના લક્ષ્યને પાર પાડવા ઉતરેલી આયર્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. જેમાં બન્ને ઓપનર વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી. જો કે સ્ટીફન ડોની 34 રને અને પોલ સ્ટર્લિંગ 22 રને આઉટ થયા બાદ વિકેટનું પતન શરૂ થયું હતું. આ દરમિયાન જ્યોર્જ ડોકરેલે 45 રનની લડાયક ઈનિંગ રમી હતી પણ બીજા છેડે કોઈપણ ખેલાડી ટકી શક્યો નહોતો. જેના પરિણામે આયર્લેન્ડની ટીમ 30.5 ઓવરમાં 155 રને ઓલઆઉટ થઈ હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust