સત્તાપર-લાખાપર સહિત 7 ગામોમાં આખી રાત વીજ પુરવઠો બંધ રહ્યો
અંજાર, તા. 18 : હજુ તો ઉનાળાની સત્તાવાર શરૂઆત પણ નથી થઇ અને અંજાર શહેર અને તાલુકાઓના અનેક ગામડાઓમાં પાછલા ઘણા દિવસોથી દિવસ-રાત દરમિયાન ત્રણથી ચાર વખત વીજ પુરવઠો ખોરવાતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે અંજાર તા.ના સતાપર, લાખાપર, આંબાપર, ખારા-પસવારીયા, ગોકુલનગર અને માધવવીલા વિસ્તારોમાં (શુક્રવારે રાત્રે) 10 વાગ્યે વીજપુરવઠો ખોરવાયો હતો જે સવારે 9 વાગ્યે ચાલુ થયો હતો. રાત્રીનો વીજ પુરવઠો ખોરવાતા રહેવાસીઓ ઉંઘી પણ શક્યા નહોતા, શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી ફરી એજ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે હજુ સુધી પણ પૂર્વવ્રત થયો નહતો. ગ્રામજનોની માનીએ તો અંજારના સતાપર પાસે આવેલા 66 કેવી ગોવર્ધન પર્વત ફીડરમાં સામાન્ય ખોટીપો સર્જાયો હતો જેના સમારકામ માટે વીજ વિભાગ દ્વારા બિનજરૂરી રીતે સમગ્ર રાત્રી દરમ્યાન વીજ પુરવઠો બંધ રખાયો હતો. અંજાર શહેરની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી તો શહેરમાં વીજ અવરોધનું પ્રમાણ વધ્યું છે. ફરિયાદ નોંધાવવા પીજીવીસીએલની ઓફિસે ફોન કરવામાં આવે ત્યારે ભાગ્યે જ કોઇ જવાબ મળે છે. ઓપરેટર દ્વારા અવારનવાર રીસીવરને સાઇડમાં જ રાખી દેવામાં આવે છે જેથી કોઇ ફરિયાદ ચોપડે નોંધાય જ નહીં... વીજ વિભાગ દ્વારા અવારનવાર વીજ પુરવઠો બંધ કરાતા હોવાની પરિસ્થિતિ છે તો ઉનાળામાં પરિસ્થિતિ કેટલી વિકટ બની શકે એ વિચારવા જેવી બાબત છે. આ બાબતે પીજીવીસીએલ અંજાર સર્કલના અધિક ઇજનેર બી.ડી. ઝાલાવાડિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવેલ કે સતાપર તેમજ લાખાપર ગામડાઓમાં પવન અને વરસાદને પગલે ઝાડ પડી જતા વાયરોને નુકસાન પહોંચ્યું હતું, જેનું સમારકામ લાંબા સમય સુધી ચાલતા આખી રાત સુધી વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડી હતી શહેરોમાં જે તે વિસ્તારોમાં જરૂરી સકારકામને પગલે અમુક વિસ્તારોમાં નિયત સમય માટે વીજ પુરવઠો બંધ રાખવો પડેલ. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com