અંજારના 7-ગાંધીધામના ચાર ગામને વીડી પાણી યોજનાનો મળી શકશે લાભ

ભુજ, તા. 18 : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘરઆંગણે જ મળી રહે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને  સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતાં કર્યા છે, ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂા. 3986.17 લાખના ખર્ચે તૈયાર?થનારી વીડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-2024 સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે. વિધાનસભામાં અંજાર-ગાંધીધામ તાલુકાના વીડી જૂથ પાણી પુરવઠા યોજના અંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ સવાલો કર્યા હતા. પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તથા નર્મદા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાય છે, જેમાં ઢાંકી-માળિયા અને અંજાર-ગાંધીધામની 50 કિલોમીટર પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયું છે અને ટપ્પર ડેમ દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત વીડી જૂથ પાણી પુરવઠા આ યોજના હેઠળ ગામડાંઓમાં સર્ફેસ વોટર પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ અંજાર તાલુકાના 7 ગામ અને ગાંધીધામ તાલુકાના 4 ગામ મળી કુલ્લ 11 ગામની 4.36 લાખની વસતીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. હાલ અંજાર અને ગાંધીધામ તાલુકાના આ ગામો પાતાળકૂવા તથા વિવિધ જૂથ પાણી પુરવઠા યોજના થકી પાણી મેળવી રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust