અમૃતપાલ પર પોલીસ ત્રાટકતાં પંજાબમાં તનાવ

અમૃતસર, તા. 18: તાજેતરમાં પંજાબ પોલીસને પડકાર ફેંકી સાગરીતને છોડાવી જનાર ખાલિસ્તાન સમર્થક અને ભિંડરાંવાલે સાથે જેની તુલના કરાય છે તે અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અલબત્ત, પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બે વાહનમાં લોકોને પકડી પાડયા હતા, પણ ત્રીજા વાહનમાં અમૃતપાલ છટકી જવામાં સફળ રહ્યો હતો. સાથે 78 જેટલા સાગરીતોને પકડવામાં આવ્યા છે. જેને પગલે પંજાબમાં તંગદિલીનો માહોલ છે. જાલંધરના મૈહતપુર વિસ્તારમાં શનિવારે પોલીસ ત્રાટકી ત્યારે અમૃતપાલ કારમાં નાસી છૂટયા બાદ દોઢ કલાક તેનો પીછો કરી પકડવામાં આવ્યો હતો. અલબત્ત, ધરપકડ મુદ્દે વિરોધાભાસી અહેવાલો આવી રહ્યા છે. અમૃતપાલના ખાસ સાથી દલજીત કલસીને ઝડપી પડાયો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સમગ્ર રાજ્યમાં રવિવાર સુધી સુધી ઇન્ટરનેટ, એસએમએસ અને ડોંગલ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પોલીસે અમૃતપાલની ધરપકડ વિશે સત્તાવાર કંઈ જાહેર કર્યુ નથી. પીટીઆઇના હેવાલ મુજબ અમૃતપાલ પકડાયો નથી. બીજીતરફ અમૃતપાલની કથિત ધરપકડના વિરોધમાં મોહાલી, ચંદીગઢ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. હાથમાં તલવાર અને લાકડી સાથે તેના સમર્થકો રસ્તા પર ઉતર્યા, મોહાલીમાં નિહંગોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. શનિવાર સવારથી પંજાબ પોલીસ ફોર્સની તૈનાતીથી પરિસ્થિતિ પારખી અમૃતપાલ કારમાં નાસી છૂટયો હતો. તાજેતરમાં અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા કેસમાં પોલીસ તેને પકડવા આવી હતી. બાદમાં ફિલ્મી અંદાજમાં પકડાપકડીનો ખેલ શરૂ થયો. અમૃતપાલની કાર આગળ અને પાછળ પોલીસના આશરે 100 જેટલાં વાહનોનો કાફલો હતો. અમૃતપાલ કારમાં નાસી રહયો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. શનિવારે જાલંધર-મોગા નેશનલ હાઇ વે પર શાહકોટ-મલસિયાં ખાતે બઠિંડા જિલ્લાના રામપુરા ફૂલમાં અમૃતપાલે એક કાર્યક્રમ યોજ્યો  હતો. સ્થળ પર તેના સમર્થકો એકઠા થવા લાગ્યા હતા. દરમિયાન પોલીસે તેને પકડવાનું ઓપરેશન ગુપચૂપ હાથ ધર્યું હતું. આસપાસના 7 જિલ્લાઓમાંથી પોલીસ દળ બોલાવી લેવાયા હતા. નાકાબંધી કરી યોજનાબદ્ધ રીતે તેની ધરપકડ કરવામાં આવી હતી. એવુ કહેવાય છે કે જી-ર0ને કારણે અગાઉ અમૃતપાલના શક્તિ પ્રદર્શન વખતે કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ વખતે કેન્દ્રિય ગૃહમંત્રાલય સાથે સંપર્ક સાધીને તેની ધરપકડનું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. શનિવારે બપોરે 1 કલાક આસપાસ પોલીસે અમૃતપાલના જગામ જલ્લૂપુર ખેડા આસપાસ ઘેરો કર્યો હતો. અમૃતપાલના કાફલાને આંતરવામાં આવ્યો અને તેમાં સવાર સમર્થકોને દબોચી લેવાયા હતા. અમૃતપાલ ત્રીજા નંબરની મર્સિડીઝ કારમાં સવાર હતો. પોલીસને જોઈ ચાલકે કારને અન્ય રસ્તે ભગાવી હતી. જો કે બાદમાં તેને પકડી લેવાયો હતો. વારિસ દે પંજાબ સંગઠનનો પ્રમુખ અમૃતપાલ ખાલિસ્તાનનું જાહેરમાં સમર્થન કરી ચૂક્યો છે. તેના વિરુદ્ધ હેટ સ્પીચ સહિત કુલ 3 કેસ નોંધવામાં આવ્યા છે. પોતાના એક નજીકના સાગરિતની ધરપકડ બાદ તેણે પોતાના હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન ઉપર જ હલ્લાબોલ કર્યો હતો. પોલીસ શક્તિ પ્રદર્શન સામે જે તે વખતે ઝૂકી અને આરોપીને છોડી મૂક્યો હતો. ગૃહમંત્રી શાહને પણ તેણે ધમકી આપી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust