`નવ વર્ષમાં બદલાઈ છે હેડલાઈન્સ''

નવી દિલ્હી ,તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ખાનગી ટીવી ચેનલના કોન્ક્લેવમાં અનેક મુદ્દે ચર્ચા કરી હતી અને પોતાના કાર્યકાળ દરમ્યાન દેશમાં થયેલા બદલાવોનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમ્યાન તેમણે પોતાના ભાષણ દરમ્યાન બદલાયેલા સમાચારોમાં બદલતા ભારતની ઝલક પણ દેખાડી હતી સાથે જ માધ્યમોને ટીઆરપી વધારવાની ફોર્મ્યુલા પણ સૂચવી હતી. ઈન્ડિયા ટુડે આયોજિત કોન્ક્લેવના મંચ પરથી બોલતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014થી પહેલાં હેડલાઈન્સ રહેતી કે, આ સેક્ટરમાં આટલા લાખ રૂા.નો ગોટાળો થયો. ભ્રષ્ટાચારની સામે લોકો માર્ગ?પર ઉતરી આવ્યા.  આજે શું સમાચાર હોય છે ? ભ્રષ્ટાચારના મામલે કાર્યવાહીના કારણે ભયભીત ભ્રષ્ટાચારી બંધ થયા. મીડિયાએ પહેલાં ગોટાળાના સમાચારોથી ધારી ટીઆરપી મેળવી, આજે મીડિયાને તક છે કે, ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી દેખાડીને ટીઆરપી વધારે. વડાપ્રધાને કહ્યું કે, પહેલાં શહેરોમાં બોમ્બ ધડાકાની ઘટનાઓ મથાળાના સમાચાર બનતી હતી. આજે શાંતિ અને સમૃદ્ધિના સમાચારો વધુ આવે છે. પહેલાં પર્યાવરણના નામ પર મોટી-મોટી માળખાંગત સુવિધાઓ રોકવાની ખબરો આવતી હતી. આજે પર્યાવરણ સાથે જોડાયેલા હકારાત્મક સમાચારોની સાથોસાથ હાઈવે, એક્સપ્રે વે બનવાના વાવડ મળે છે. પ્રોમિસ અને પરફોર્મન્સ એટલે કે, પ્રતિબદ્ધતા અને પ્રદર્શનનો આ જ બદલાવ ભારતીય ચળવળે લાવ્યો છે, તેવું ઉમેર્યું હતું. જ્યારે દેશ આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી સભર હોય, વિદેશો, દુનિયાના વિદ્ધાનો પણ ભારત માટે આશાવાદી હોય આ બધાની વચ્ચે ભારતને નીચું બતાવવાની વાતો, ભારતનું મનબોળ  તોડવાની વાતો થાય છે તેવો પ્રહાર વડાપ્રધાને વિરોધી પક્ષો, તત્ત્વો પર કર્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે, કયાંક પણ કંઈ પણ શુભ થાય, તો કાળું ટપકું લગાવવાની પરંપરા છે, તો આજે એટલું શુભ થઈ રહ્યુ ંછે કે કેટલાક લોકોએ કાળું ટપકું લગાડવાની જવાબદારી લઈ લીધી છે, તેવા કટાક્ષ મોદીએ કર્યા હતા. ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે આટલા બધા વૈશ્વિક પડકારો છે. 100 વર્ષમાં આવેલી મહામારી સૌથી મોટું સંકટ છે. બે  દેશ મહિનાઓથી યુદ્ધમાં છે. આખી દુનિયાની વિતરણ પ્રણાલી અસ્તવ્યસ્ત છે. આ સ્થિતિમાં ધ ઈન્ડિયા મૂવમેન્ટની વાત થવી એ સામાન્ય બાબત નથી. આ એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આખી દુનિયા ભારત વિશે એક વિશ્વાસથી ભરેલી છે. આજે ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિએ આગળ ધપતી અર્થવ્યવસ્થા છે. આજે ભારત વૈશ્વિક ફિનટેક એડોપ્શન રેટમાં નંબર વન છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક છે. આજે ભારત દુનિયામાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમ છે. એવી કેટલીય બાબતો છે જેના પર આજે ચર્ચા થતી નથી, પરંતુ  જૂની વાતો ક્યારેક કોઈને જરૂર પડશે તો ખોદીને કાઢશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust