હરિદ્વારની ગઢવી સમાજની વાડીમાં રૂમ બુકિંગના બહાને છેતરપિંડી

ભુજ, તા. 18 : હરિદ્વારમાં ગઢવી સમાજની વાડી શકિત સદનમાં  રૂમ બુકિંગ માટે ભુજના શખ્સે આરોપીને રૂા. 27,500 ઓનલાઇન આપ્યા હતા, પરંતુ ત્યાં જતાં આરોપીએ રૂમ બુકિંગ ન કર્યા હોવાનું ધ્યાને આવતાં પંચમહાલ જિલ્લાના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે. પાંચેક માસ પૂર્વે ફરિયાદી સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. વીમા એજન્ટ અને ભુજના આરટીઓ સર્કલ પાસે આવળ પી.યુ.સી. સેન્ટરના આનંદભાઇ નરપતભાઇ ગઢવીએ ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ તેઓ હરિદ્વાર ફરવા ગયા હતા. ત્યારે ત્યાં શક્તિ સદન ગઢવી સમાજવાડીમાં મેનેજર તરીકે કામ કરતા દેવરાજ વિભાભાઇ ગઢવી (રહે. બારૈયા મુવાળા, તા. સહેરા, જિ. પંચમહાલ) સાથે સંપર્ક થયો હતો. ફરિયાદી આનંદભાઇને બીજીવાર હરિદ્વાર જવાનું હોવાથી આરોપી દેવરાજનો સંપર્ક કર્યો હતો. શકિત સદનમાં અલગ-અલગ તારીખે 10 રૂમનું બુકિંગ કરાવી તેનું ઓનલાઇન પેમેન્ટ રૂા. 27,500ની ચૂકવણી કરી હતી. પરંતુ ફરિયાદી આનંદભાઇ તા. 25/10/22ના હરિદ્વાર પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, આરોપી છ માસ પૂર્વે જ છૂટા કરી દેવાયા છે અને તેમણે કોઇ રૂમ બુકિંગ કર્યું ન હતું. આમ તેમની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust