ચકચારી સોપારી કેસમાં બે આરોપીને શરતોને આધીન અપાઇ જામીનમુક્તિ
ભુજ, તા. 18 : મુંદરા વિસ્તારમાંથી બહાર આવેલાં સોપારી પ્રકરણમાં સામખિયાળી (ભચાઉ) પોલીસ મથકમાં દાખલ થયેલા ફોજદારી કેસમાં બે આરોપી ભીમાભાઇ આંબાભાઇ રબારી અને બબાભાઇ નાગજીભાઇ રબારીને ભચાઉ સ્થિત જિલ્લા અદાલતે શરતોને આધીન જામીન આપ્યા હતા. આ ચર્ચાસ્પદ પ્રકરણમાં સામખિયાળી કેસમાં આરોપી ભીમાભાઇ રબારી અને બબાભાઇ રબારીની ધરપકડ બાદ પોલીસે બન્નેના રિમાન્ડ પણ મેળવ્યા હતા. બન્ને તહોમતદારની ચીફ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ જામીન માટે જિલ્લા કોર્ટમાં અરજી કરાઇ હતી. ભચાઉ ખાતે અધિક સેશન્સ કોર્ટમાં સુનાવણીના અંતે બન્નેને શરતોને આધીન જામીન અપાયા હતા. કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે હિતેન્દ્રાસિંહ બી. વાઘેલા, એન.બી. જાડેજા અને વી.પી. ગઢવી રહ્યા હતા. - અપહરણ કેસમાં આગોતરા : રાપર પોલીસ મથકમાં દાખલ થયેલા યુવતીના અપહરણ સંબંધી કેસમાં આરોપી વિજપાસર ગામના ભરત વેરશી કોળીને આગોતરા જામીન અપાયા હતા. સમગ્ર કેસના સંજોગોને કેન્દ્રમાં રાખીને કોર્ટએ આ હુકમ કર્યો હતો. આ કેસમાં ભરત કોળીના વકીલ તરીકે ટપુભાઇ રાઠોડ રહ્યા હતા. - જમીન કેસમાં મનાઇહુકમ : ભુજ તાલુકાના હરૂડી ગામે સર્વે નંબર 36/1 અને 37 ખાતે આવેલી જમીન સંબંધી વિવાદમાં કરાયેલા દાવામાં દાવાના આખરી નિકાલ સુધી તબદીલી સામે મનાઇહુકમ અપાયો હતો. આ કેસમાં વાદી નાનજી અબજી પરવાડિયાના પાવરદારના વકીલ તરીકે કે.એમ.પટેલ અને બી.એલ. નાથબાવા રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com