`સારા કામ કરીશું તો અમારા પ્રત્યે સમાજનું વલણ બદલાશે''

`સારા કામ કરીશું તો અમારા પ્રત્યે સમાજનું વલણ બદલાશે''
રશ્મિન પંડયા દ્વારા -  અંજાર, તા. 1 : અલગ તાસીર ધરાવતા અંજારમાં કિન્નર સમાજની પ્રેરણાદાયક અનેરી પહેલથી એક જ મંડપમાં કોમીએકતાના દૃષ્ટાંતરૂપ ફેરા અને નિકાહની વિધિ સંપન્ન થશે. આ અનેરા ઇતિહાસમાં સમગ્ર કચ્છમાં લોકો જોડાયા છે અને 25 સમૂહલગ્નના આયોજનની તૈયારીઓનો  ધમધમાટ જોવા મળે છે. કચ્છની કોમીએકતા સાથે પૂર્વ કચ્છનું વડુંમથક આ અંજાર શહેરમાં તા. 4 ફેબ્રુઆરીના સંયુકત સમૂહલગ્નનાં આયોજન અંગે કિન્નર સમાજના નાયક સીતાદે રૂડાદેમાં પાવૈયા મઠની મુલાકાત લેતાં  લગ્નપ્રસંગની ઉજવણી વખતે જોવા મળતો માહોલ સાથે ભવ્ય લગ્નોત્સવના  આયોજનની તડામાર તૈયારીઓ જોવા મળી હતી. કન્યાઓને  લગ્નમાં અપાનારી ભેટો વસ્તુઓ ગોઠવાઇ રહી હતી. તૈયારીઓમાં સૌ મશગુલ હતા.અત્રે એ નોંધનીય છે કે, આ સમગ્ર સમૂહલગ્નના આયોજનનો?ખર્ચ કિન્નર જયશ્રીદે પ્રેમીલાદે નાયક એકલા હાથે કરી રહ્યા છે. આ પ્રેરણાદાયક પહેલ અંગે તેમણે જણાવ્યું કે, તેમના ગુરુ નાયક સીતાદે રૂડાદેમાં દાદા ગુરુની પ્રેરણાથી આ કાર્ય સૌના સહયોગથી કરી રહ્યા છે. સૌ પ્રથમ તો આવા સદ્ભાવ સાથે સમાજ ઉપયોગી કાર્ય કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, અમારા કિન્નર સમાજ પ્રત્યેની લોકોનો તેમજ અન્ય સમાજનો દૃષ્ટિકોણ બદલાશે. કિન્નર સમાજ વર્ષોથી લોકોને ઉપયોગી થવાનું, મદદ કરવા, આરોગ્ય, જીવદયાના કાર્યો કરે છે. પરંતુ તેની  જાણ ભાગ્યે જ કોઇકને હોય છે. ગુરુની પ્રેરણાથી અને પોતાને બચપનથી લોકોને મદદ કરવાની ભાવનાથી વર્ષ 1998માં  પણ જરૂરિયાતવાળા એક પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. ગુરુ હંમેશાં સારા કાર્યો કરવાની શીખ આપતા હતા. આ 25 સમૂહલગ્નોનો તમામ ખર્ચ કરનારા કિન્નર જયશ્રીદે પ્રેમીલાદે નાયકે વધુમાં જણાવ્યું કે, દરેક કન્યાઓને લગ્નમાં સોના-ચાંદીના દાગીના,રાચ-રચીલું, ઘરવખરી, સામાન્ય રીતે દહેજમાં આપતી તમામ વસ્તુઓ આપવામાં આવશે. આ સમૂહલગ્નનો 22થી 25 લાખનો તમામ ખર્ચ પોતે કરી રહ્યા છે. અનેક સમાજના લોકો,તેમના પરિચિત લોકોએ ખર્ચની ઓફર કરી પરંતુ તેમણે કોઇપણ પાસેથી દાન ભેટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આ અંગે તેમણે ઉમેર્યું કે, અમારા સમાજને લોકો પૂરતા માન-સન્માન સાથે સારા પ્રસંગે યાદ કરીને ભેટ આપે છે. તે રકમનો સદ્ઉપયોગ આ રીતે થઇ રહ્યો છે. તેનો આનંદ અનેરો છે. કિન્નર સમાજ પણ તેમના આ આયોજનને બિરદાવી રહ્યા છે અને ઉચ્ચ વિચારો સાથે જણાવે છે કે, સમાજને `તેરા તુજકો અર્પણ'ની ભાવના સાથે આ કાર્ય કરી રહ્યા છે. કિન્નર સમાજ દ્વારા માત્ર આ સમૂહલગ્ન પૂરતું નહીં પરંતુ તાલુકાના વીડી ગામ પાસે 20થી 25 ગાયો, અન્ય પશુઓ, કૂતરા, પક્ષીઓની માવજત સાથે જીવદયાનું કાર્ય વર્ષોથી કરાય છે. તેમના આ કાર્યથી આવનારી પેઢી નવી પ્રેરણા લઇ લોક ઉપયોગી સમાજ ઉપયોગી કાર્ય કરે તેવી ઇચ્છા વ્યકત કરી હતી. અંજારના ટાઉનહોલના વિશાળ ગ્રાઉન્ડમાં  યોજાનારા આ સમૂહલગ્નો હઝરત પીર સૈયદ હાજી અહમદશાબાવા (રહ.) મુફિત એ કચ્છ)? તેમજ હજરત પીર સૈયદ હાજી મખ્દુમ અલી હાજી તકીશા બાવા કચ્છની કોમીએકતાના પ્રતીકની દુઆઓથી આ સમૂહલગ્ન સબ કા માલિક એક સાર્વજનિક ગ્રુપ દ્વારા આયોજન કરાયું છે. તા. 4ના શનિવારના યોજાનારા આ સમૂહલગ્નમાં 20 મુસ્લિમ દુલ્હા-દુલ્હનોની નિકાહ ખ્વાની સવારે 10 વાગ્યે હઝરત સૈયદ હાજી અમીનશા હાજી અહમદશા (ફરઝંદે મુફતી-એ-કચ્છ-માંડવી) તેમજ તિલાવતે કુરાન મૌલાના મુબારક હાજી મુશા, નાત ખ્વાની સૈયદ જાફરશા હૈદરશા (મુનાબાપુ) દ્વારા કરાશે. જ્યારે આ સમૂહલગ્નમાં 5 હિન્દુ સમાજના યુવક-યુવતીઓના લગ્નની વિધિ બ્રહ્મસમાજના અગ્રણી  લાલા મહારાજ બટુકભાઇ પંડયા કરાવશે.આ સમૂહલગ્નના આયોજનમાં પીર સૈયદ હાજી અનવરશા મહેબુબશા બાપુ, સાદિકભાઇ રાયમા એડવોકેટ તેમજ અંજાર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજશભાઇ મહેતા, અમરીષભાઇ કંદોઇ, દરેક સમાજના યુવક મંડળો, મહિલા મંડળો સહયોગ આપી રહ્યા છે. સમૂહલગ્નોમાં આશિર્વાદ આપવા માટે દરેક સમાજના ધાર્મિક, સામાજિક તેમજ સમગ્ર કચ્છના રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કિન્નર સમાજના નાયક સીતાદે રૂડાદેમાં પાવૈયા મઠ તરફથી કોરોના સમયથી ટિફિન સેવા, રાશનકિટ, આરોગ્ય તેમજ શિક્ષણ માટે સેવા-યજ્ઞ થઇ રહ્યા છે. આ સમૂહલગ્નમાં સમગ્ર કચ્છના વિવિધ શહેર-ગામોમાંથી લોકો તેમના દીકરી-દીકરાનાં લગ્નો કરાવશે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust