બન્ની-પચ્છમમાંથી પ્રથમ ઉચ્ચ શિક્ષણ મેળવનારી યુવતી સવિતા મિશાલરૂપ

ભુજ, તા. 1 : કચ્છના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમાં શિક્ષણના અભાવ તથા સમાજમાં પ્રવર્તતી પરંપરાઓના કારણે આજે પણ દીકરીઓને પ્રાથમિક અભ્યાસ બાદ આગળના શિક્ષણ માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. સરકારની બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મળતી વિવિધ સહાય, સ્કોલરશિપ તેમજ પરિવારના સહયોગથી મારવાડા સમાજની સવિતાએ આ પછાત વિસ્તારમાં ઉચ્ચશિક્ષણ મેળવનારી પ્રથમ દીકરીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આથી તાજેતરમાં જ કચ્છ કલેકટર દિલીપ રાણાએ સવિતાનું ખાસ સન્માન કરીને તેને બિરદાવી હતી. પોતાની સંઘર્ષગાથા કહેતાં સવિતા જણાવે છે કે, આ વિસ્તારમાં દીકરી 10 કે 11 વર્ષની થાય કે તેના હાથમાંથી પેન છીનવીને સોય-દોરો થમાવી દેવાય છે. મેં પણ ધો. 7નો અભ્યાસ ગામમાં કર્યા બાદ ધો. 8 થી ધો. 10 સુધીનો અભ્યાસ કરવા ખૂબ જ મુશ્કેલી વેઠી હતી. દીકરીને આગળ ભણવાની શું જરૂર છે ? તેને તો લગ્ન જ કરવાના છે તેવું અનેક લોકો કહેતા હતા, પરંતુ મારા દાદા-દાદી અને માતા-પિતાના મારા પરના વિશ્વાસ અને મક્કમતાના કારણે હું ગામની પ્રથમ કિશોરી હતી, જેણે ધો. 8ના અભ્યાસ માટે ગામની બહાર પગ મુકયો હતો. ભુજમાં ધો. 8 માટે એડમિશન મેળવ્યા બાદ ભુજ એકલા બસમાં કઇ રીતે આવવું તે પ્રશ્ન સર્જાયો હતો. એકલી દીકરીને ભુજ મૂકવાથી લોકો મેણા-ટોણા ન મારે તે માટે મારા દાદી રોજ મારા સાથે શાળાએ ટિફિન લઇને 160 કિ.મી કાપીને સાથે આવતા. શાળા બહાર આખો દિવસ દાદી બેસી રહેતા અને પોતાનું ભરત-ગૂંથણનું કામ કરતા. સાંજે અમે બંને દાદી- પોત્રી ફરી દિનારા જતા, આ રીતે 3 વર્ષ સુધી ગમે તે ઋતુ હોય મેં અને દાદીએ અપડાઉન કરીને મારો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ આગળના અભ્યાસમાં સમસ્યા ન થાય તેમજ દાદીને પરેશાની ન આવે તે માટે મારો પરિવાર ભુજ આવીને વસી ગયો. હાલ હું બી.એડ્.નો અભ્યાસ કરી રહી છું અને ભવિષ્યમાં યુપીએસસી પાસ કરીને કલેકટર બનું તેવી મારા પિતાજી અને દાદીની ઇચ્છા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com