લખપતનાં ગામોમાં અડધાં ઘરોમાં શૌચાલય નથી, છતાં `ખુલ્લાંમાં શૌચમુક્ત''નાં પાટિયાં લાગ્યાં

લખપતનાં ગામોમાં અડધાં ઘરોમાં શૌચાલય નથી, છતાં `ખુલ્લાંમાં શૌચમુક્ત''નાં પાટિયાં લાગ્યાં
વિશ્વનાથ જોષી દ્વારા -  દયાપર (તા. લખપત), તા. 1 : સ્વચ્છ ભારત મિશન હેઠળ દરેક ઘરઆંગણે શૌચાલયના ધ્યેય સાથે સરકાર દ્વારા આર્થિક સહયોગ આપ્યા બાદ દરેક ગામને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવા એક અભિયાન મિશન ચાલ્યું છે. લખપત તાલુકામાં ઘણા ગામડાઓના બસ સ્ટેન્ડ પર આ ગામમાં સંપૂર્ણ શૌચાલય સાથે `ખુલ્લામાં શૌચમુક્ત ગામ'ના જાહેરાતના પાટિયા લાગી ગયા પરંતુ આ મિશન ફક્ત `જાહેરાત' પૂરતું રહ્યું અને `મોર' કળા કરી ગયા હોવાની મોટી આશંકા લોકોને દેખાઇ રહી છે.પ્રથમ તબક્કે સરકાર દ્વારા શૌચાલય માટે લાભાર્થીને 1500 રૂપિયાની સહાય મળતી, બાદમાં આ રકમમાં વધારો થતો રહી 4600ની રકમ મળી અને છેલ્લે શૌચાલય માટે સરકાર દ્વારા લાભાર્થીઓને 12000ની સહાય મળી હોવાથી શરૂઆતના તબક્કે જે રૂા. 1500ની સહાય મળી તેમાં ઘણી જગ્યાએ કંતાનના ત્રણ પાલિયા થાંભલીમાં ખોડી ઊભા કરી રૂા. 250ની સંડાસ શીટ બેસાડી દેવાઇ હોવાના ઘણા દાખલા છે, પણ રૂા. 12000માં તો શૌચાલય બની શકે તે નિશ્ચિત છે. છતાં લખપત તાલુકામાં 100 ટકા કામગીરી બતાવ્યા પછી 60 ટકા વસ્તી ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. તાલુકાના મોટાભાગના અંતરિયાળ ગામોમાં શૌચાલય ઘરઆંગણે નથી તેવી વિગતો બહાર આવી હતી.સાયણ ગામના બસ મથકે મોટું બોર્ડ લગાવેલું છે. એક કદમ સ્વચ્છતા કી ઔર `ખુલ્લામાં શૌચમુક્ત ગામ' જાહેરાતના પાટિયામાં નીચે જાહેરાતની તારીખ લખવાની હોય છે તે લખાઇ નથી પરંતુ તપાસ કરતાં 50થી 60 ટકા લોકોના ઘરઆંગણે શૌચાલય સુવિધા નથી... તો આ બોર્ડ કેવી રીતે લાગી ગયું ? બસ સ્ટેશન પાસે આવેલી પ્રાથમિક શાળામાં ઘણા સમય પહેલાં શૌચાલય બન્યા છે પરંતુ જર્જરિત છે તેવું શાળાના આચાર્યને પૂછતાં જણાવ્યું હતું. જો કે તેનો ઉપયોગ કરવો પડે છે પણ સાવ જર્જરિત છે. લખપત તાલુકામાં કુલ્લ કેટલા શૌચાલય બન્યા અને તેની કેટલા લાભાર્થીઓને સરકાર દ્વારા સહાય અપાઇ, આ સહાયની કુલ્લ રકમ કેટલી ? તેની માહિતી માટે સ્વચ્છ ભારત મિશનના કર્મચારી શરીફ રાયમાનો સંપર્ક કરતાં તેઓ કચેરીમાં ન હતા. પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમો સ્વચ્છ ભારત મિશનના તમામ કર્મચારીઓ છેલ્લા દોઢ મહિનાથી હડતાળ પર છીએ. શેની હડતાળ ? તેવું પૂછતાં કહ્યું હતું કે, હાલમાં લખપત તાલુકામાં પાંચ જણ છીએ. આ મિશનમાં એન્જિનિયર કે કારકૂન હોય કે પછી ગ્રામ રોજગાર સેવક પગારમાં ઘણી અસમાનતા છે. ઘણું કામ કરતો હોય, ટેક્નિકલ કામ હોય તો 5000 પગાર મળે. આટલી રકમમાં કોણ નોકરી કરવા તૈયાર થાય ? સરકારે નક્કી કરેલા લઘુતમ વેતનથી પણ આ રકમ ઓછી કહેવાય. સ્નાતકનું 35000 અને અનુસ્નાતકનું 5000... આવી અસમાનતા હોતાં હાલમાં હડતાળ પર છીએ. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોન પર સંપર્ક કર્યો પણ આ અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી. સાંજે તેમની કચેરીમાં રૂબરૂ મળવા જવું પડયું...! છેવાડાના અધિકારીઓ નાગરિકોના પ્રતિનિધિઓના પણ ફોન ઉપાડતા નથી. આવી ઘણા સમયથી ફરિયાદો છે જે સાચી ઠરી હતી. મામલતદાર પણ ફોન નથી ઉપાડતા તેવી ફરિયાદ રોજિંદી બની ગઇ છે.રૂબરૂ કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સંજયભાઇ ઉપલાણાએ શૌચાલય માહિતી આપવામાં સૌ પ્રથમ આનાકાની કરી હતી. આ માહિતી આર.ટી.આઇ. હેઠળ જ મળી શકે. આટલા વર્ષોમાં કોઇ અધિકારીએ આર.ટી.આઇ. હેઠળ માહિતી માગવા પત્રકારોને નથી કહ્યું. આવી કોઇ ઉપરથી સૂચના છે ? તેવું પૂછતાં તેમણે કહ્યું કે બીજા અધિકારીઓની મને ખબર નથી પણ હું આર.ટી.આઇ. હોય તો જ માહિતી આપી શકું...! માહિતી આપવામાં આનાકાની કરવી એ ભ્રષ્ટાચાર હોવાની આશંકા સત્ય નીકળે તેવું લાગે છે. નહીં તો માહિતી છૂપાવવી શા માટે પડે ? તેવું કહેતાં આ અધિકારીએ હાલમાં સ્ટાફ હડતાળ પર છે, એ આવી જાય પછી માહિતી આપીશ તેવું લાંબી દલીલો બાદ કહ્યું હતું.`જાહેરમાં શૌચાલય મુક્ત` અંગેના પાટિયા તો આખા ભારત ને ગુજરાતમાં લાગી ગયા છે. સંપૂર્ણ ગુજરાત જાહેર શૌચથી મુક્ત થઇ ગયું છે. આપણો તાલુકો પણ જાહેરમાં શૌચાલયથી સંપૂર્ણ મુક્ત થઇ ગયું છે, જે રેકોર્ડમાં બોલે છે. આ સમય પોતે તો તાલુકા વિકાસ અધિકારી હતા નહીં એટલે ભ્રષ્ટાચાર થયો હોય તો પણ પોતાને કોઇ ખબર નથી તેવું જણાવ્યું હતું. જિલ્લાનું વહીવટી તંત્ર સંજ્ઞાન લે તે જરૂરી છે. કેટલા લાભાર્થીએ રૂા. 12000 મેળવ્યા ? ત્યાં ખરેખર શૌચાલય બન્યું છે કે કાગળ પર છે ? જેની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર પડી શકે તેવી ભીતિ સેવાય છે. ઘણા તો લોકોને ખબર પણ નથી કે પોતાના ઘરઆંગણે શૌચાલય મંજૂર થયું ને તેના 12000 કોણ લઇ ગયું ? બીજીબાજુ તાલુકા પંચાયતમાં સ્ટાફ નથી. બધું 11 મહિનાના કરાર આધારિત અને ઇન્ચાર્જ પર ચાલે છે. તાલુકામાં 107 ગામડાઓની પ્રાથમિક શાળામાં 130 શિક્ષકોની ઘટ છે. ખુદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (ટી.પી.ઓ.) ભુજથી આવે છે, ચાર્જમાં છે. અબડાસામાં એક શિક્ષકને ટી.પી.ઓ.નો ચાર્જ અપાયો છે. માંડવીના ટી.પી.ઓ.ને નખત્રાણાનો ચાર્જ અપાયો છે. આમ પશ્ચિમ કચ્છમાં શિક્ષણની પરિસ્થિતિનું જોશે કોણ ? તે પ્રશ્ન છે.સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા અંગેની ગ્રાન્ટ મંજૂર થાય છે. આ શાળાઓમાં બે-ચાર સાવરણી, ફટા, ફિનાઇલ લઇ મોટું બિલ બનાવાય છે. સ્વચ્છતા તેમજ અન્ય ગ્રાન્ટ બિલ એક જ દુકાનના કેમ હોય છે તે મોટી શંકા ઉપજાવે છે. સ્વચ્છતાની ગ્રાન્ટ જો નિષ્ઠાપૂર્વક વપરાય તો `સ્વચ્છતા અભિયાન' સાર્થક થાય. હવે જ્યારે પ્રા. શિક્ષણાધિકારી (ટી.પી.ઓ.) ઇન્ચાર્જ હોય, 100 કિ.મી. દૂરથી અઠવાડિયામાં બે દિવસ આવી ચક્કર મારી જાય પછી આ નિરીક્ષણ કરશે કોણ ? તે મોટી સમસ્યા છે. શાળાની એસ.એમ.સી.ના મોટાભાગના સભ્યોને શું કામો થાય છે તે ખબર હોતી નથી, જેનો પૂરો લાભ ઉઠાવાય છે. જો તપાસ થાય તો એસ.એમ.સી.ની કેટલી ગ્રાન્ટમાં શું શું થયું ? તો સાચું ચિત્ર બહાર આવે તેમ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust