મામૈદેવ કડિયા ધ્રોના વિકાસનાં ચક્રો ગતિમાન

મામૈદેવ કડિયા ધ્રોના વિકાસનાં ચક્રો ગતિમાન
બાબુ માતંગ દ્વારા - નિરોણા (પાવરપટ્ટી), તા. 1 : છેલ્લા થોડાક જ સમયમાં મામૈદેવ કડિયા ધ્રો પ્રવાસન સ્થળ તરીકે વિશ્વભરમાં જાણીતું બન્યા પછી પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત પ્રવાસન નિગમે પણ આ પ્રાકૃતિક સ્થળને પર્યટનધામોની યાદીમાં સમાવેશ કર્યો છે. ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે આ સ્થળના વિકાસ માટે કચ્છ જિલ્લા આયોજન કચેરીને પત્ર પાઠવી વિગતો મગાવવામાં આવી છે. વર્ષ 2021માં અમેરિકાના ધી ન્યૂયોર્ક ટાઈમ્સ પાસે વિશ્વના વિવિધ દેશોમાંથી ફોટોગ્રાફર દ્વારા 2000 જેટલી અલભ્ય પ્રાકૃતિક સ્થળોની તસવીરો ઉપલબ્ધ થઈ હતી, જેમાંથી આ અંગ્રેજી અખબાર દ્વારા પસંદ કરાયેલી બાવન સ્થળની યાદીમાં કચ્છની હજારો વર્ષ જૂની ખડકીય સંરચના કડા કે કડિયા ધ્રોની પસંદગી કરાતાં વૈશ્વિક સ્તરે આ ગુમનામ થયેલાં સ્થળની નોંધ લેવાઈ હતી. બાવન સ્થળની યાદીમાં ભારતના કુલ ત્રણ સ્થળનો સમાવેશ થયો હતો, જેમાં કડા કે કડિયા ધ્રોને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું હતું. ધાર્મિક દૃષ્ટિએ પણ આ પૌરાણિક સ્થળનું મહત્ત્વ ખૂબ જ છે. મહેશ સંપ્રદાયના સ્થાપક ધણીમાતંગ દેવના અથર્વવેદ આધારિત માતંગશાત્રમાં થયેલા ઉલ્લેખ મુજબ માતંગદેવની ચોથી પેઢીમાં અવતરેલા મહાન ભવિષ્યવેતા મામૈદેવે વિક્રમ સંવત 1378માં ચાર વીરોની સાધનાથી સિદ્ધ કરેલું હાથનું કડું આ ધ્રોમાં પધરાવ્યું હોવાથી તે મામૈદેવ કડા (કડિયા) ધ્રો સદીઓથી પ્રખ્યાત બન્યો છે. થોડા માસ અગાઉ જિલ્લાના મહિલા કલેક્ટર પણ અધિકારીઓ સાથે મુલાકાત લઈ તેના યોગ્ય વિકાસ માટે કાર્યવાહી આરંભી હતી. જિલ્લા આયોજન કચેરીએ ગત ડિસેમ્બર 2022માં નખત્રાણા પ્રાંત અધિકારીને પત્ર દ્વારા નિરોણા નજીકના મામૈદેવ કડિયા ધ્રોના વિકાસ માટે થયેલી દરખાસ્ત માટે જરૂરી વિગતો અને અભિપ્રાય મોકલવા જણાવ્યું છે. આ પત્રમાં જણાવ્યા મુજબ મામૈદેવ કડા (કડિયા) ધ્રોના સ્થળના ઈતિહાસ અને મહત્ત્વ, સ્થળની જમીનની વિગતો, સ્થળના ટ્રસ્ટની વિગતો, સ્થળ પર આવતા પર્યટકોની વિગતો, સ્થળ પર થતા પ્રસંગો અને ઉપસ્થિત રહેતા આગેવાનોની વિગતો ફોટોગ્રાફ્સ સાથે, વિકાસને લગતા કરવાના કામોની અંદાજિત રકમ સાથેની યાદી, ઉપરોક્ત તમામ સુવિધાઓ વિકસાવ્યા બાદ તેની જાળવણી અંગેની બાંહેધરી, સ્થળ પર જોવાલાયક અને રૂટના સ્થળોની વિગતો, સ્થળના ફોટોગ્રાફ્સ સહિતની માહિતી સાથેનો અહેવાલ મોકલવા જણાવવામાં આવ્યું છે. દરમ્યાન, આ ઐતિહાસિક અને કુદરતી સ્થળ સાથે મામૈદેવ કડિયા ધ્રો વિકાસ સમિતિ પણ સંકળાયેલી છે. આ સમિતિના અધ્યક્ષ નરેશ કરસન મહેશ્વરીએ પણ નખત્રાણા પ્રાંત અધિકારીને એક પત્ર લખી અહીં રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સ્થળના વિકાસ માટે દરખાસ્ત થઈ છે તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી છે. આ પત્રમાં મહેશ સંપ્રદાય સાથે આ સ્થળનું મહત્ત્વ જણાવી લખ્યું છે કે, સંપ્રદાયના અતિ ઉત્તમ ગણાતા પવિત્ર માઘસ્નાનના વ્રત માટે આ સ્થળનો મહિમા ખૂબ જ છે. અગાઉ અહીં ધાર્મિક બારમતી પંથ ઉપરાંત અખિલ ભારત માતંગ મંડળ દ્વારા ધ્રો જલ પૂજન જેવા કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. ગુજરાત સરકાર આ સ્થળના વિકાસ માટે કટિબદ્ધ બની છે. ત્યારે આ સમિતિનો પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી પણ આ પત્ર દ્વારા આપવામાં આવી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust