કચ્છના વિકાસમાં દામજીભાઇનું યોગદાન અદકેરું

કચ્છના વિકાસમાં દામજીભાઇનું યોગદાન અદકેરું
ભુજ, તા. 1 : દિલેર દાતા, સમાજરત્ન દામજીભાઇ એન્કરવાલાના નિધનથી કચ્છને કદીય ન પુરાય તેવી ખોટ પડી છે. કચ્છના વિકાસમાં દામજીભાઇએ આપેલું યોગદાન ક્યારેય નહીં ભુલાય તેવું શ્રદ્ધાંજલિ અર્પતાં જિલ્લાની વિવિધ સંસ્થાના અગ્રણીઓ દ્વારા જણાવાયું છે. - અડીખમ-હમદર્દ સાથી ગુમાવ્યા : સમગ્ર કચ્છ અને ગુજરાતનું ગૌરવ, દાનવીર, સમાજરત્ન, સેવાભાવી, કચ્છના વિકાસના હામી, ખ્યાતનામ ઉદ્યોગપતિ એવા મુરબ્બી આદરણીય દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલા અરિહંતશરણ પામ્યા છે તે જાણી શ્રોફ પરિવાર, સમગ્ર શ્રૃજન એલ.એલ.ડી.સી. પરિવાર અને સંલગ્ન સંસ્થાઓ, કંપનીઓના સૌ પરિવારજનો અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, મોભી અને માર્ગદર્શકની ચિર વિદાયથી કચ્છએ એક અડીખમ અને હમદર્દ સાથી ગુમાવ્યા છે જે ખોટ?કચ્છને સદા સદા રહેશે. પૂજ્ય કાંતિસેન શ્રોફ?`કાકા' અને  પૂજ્ય ચંદાબેન શ્રોફ?`કાકી' સાથે કચ્છના વિકાસના કાર્યોને લઇને તેમની સાથે ઘણાં ઘણાં સંસ્મરણો છે તેવું દિપેશ શ્રોફ, પ્રીતિ શ્રોફ, ચૈતન્ય શ્રોફ, અમી શ્રોફે શ્રદ્ધાસુમન અર્પતાં જણાવ્યું છે. - કચ્છ ચેમ્બર ઓફ?કોમર્સ : સમગ્ર કચ્છવાસીઓ જેના પર ગૌરવ લે અને જીવદયા-ગૌસેવા અને સમાજસેવાના ભેખધારી, દાનવીર શ્રેષ્ઠી એવા દામજીભાઇ એન્કરવાલાના દુ:ખદ નિધનથી સમગ્ર કચ્છ ચેમ્બરના સદસ્યોએ એમના કુટુંબીજનો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. કચ્છ ચેમ્બર સાથેનો દામજીભાઇનો ઘનિષ્ઠ નાતો હતો. તેવું ચેમ્બર પ્રમુખ રાજેશ ભટ્ટ અને મંત્રી અશોક વોરાએ જણાવ્યું કે, કચ્છ ચેમ્બરે દામજીભાઇનું ખાસ સન્માન અને તેમના વક્તવ્યનો એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. - ગિરનારી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ : દાનવીર દામજીભાઇ?એન્કરવાલાનું દુ:ખદ અવસાન થતાં ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત સંધ્યાગિરિબાપુ, સંસ્કૃત વેદ વિદ્યાલય એવમ્ ગૌશાળાના અધ્યક્ષ મહંત ભગવતીગિરિ ગુરુ સંધ્યાગિરિબાપુ એવમ સમસ્ત ટ્રસ્ટીગણે શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. - માજી હોમગાર્ડ પરિવાર : કચ્છમાં કુંદરોડી ગામમાં અને સમગ્ર દેશમાં જેમનું નામ પ્રખ્યાત છે, ઉદ્યોગપતિ, દાનવીર અને અનેક સંસ્થાઓમાં જેમનું નામ અગ્રગણ્ય હરોળમાં લેવાય છે તેવા દામજીભાઇ એન્કરવાલાનું  અવસાન થતાં માજી હોમગાર્ડઝ અધિકારીઓ અને સભ્યોને ઊંડો આઘાત લાગ્યો છ. ભૂતપૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ જગદીશ?અ. મહેતાએ જણાવ્યું કે, કચ્છના સુખ-દુ:ખમાં તેમનો મહત્ત્વનો ફાળો રહેલો છે. સ્ટાફ?ઓફિસર હેડક્વાટર્સ અવિનાશભાઇ વૈદ્યએ જણાવ્યું હતું કે, દામજીભાઇ જીવનના અંત સુધી સેવાકીય પ્રવૃત્તિમાં આગળ પડતા રહ્યા હતા. પ્લાટુન સાર્જન્ટ વિભાકર અંતાણીએ પણ તેમની સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરી હતી. - લખપત તાલુકા કોંગ્રેસ : જાણીતા ઉદ્યોગપતિ, સેવાભાવી અને કચ્છના અગ્રણી દામજીભાઇ એન્કરવાલાનું દુ:ખદ નિધન થતાં લખપત તાલુકા કોંગ્રેસ પક્ષે આઘાતની લાગણી અનુભવી છે. લખપત તાલુકા પંચાયત શાસક પક્ષ નેતા પી. સી. ગઢવીએ દુ:ખ સાથે જણાવ્યું હતું કે, દામજીભાઇ એન્કરવાલાના નિધનથી કચ્છીઓને મોટી ખોટ પડી છે. લખપત તાલુકામાં મહામારીના સમય દરમ્યાન આરોગ્ય સેવા હોય કે ભૂકંપ પછી નિદાન કેમ્પો થકી પશ્ચિમી છેવાડાની પ્રજાનાં સાચા હમદર્દ બન્યા હતા. - દેવલમા જીવદયા સત્સંગ સમિતિ : કચ્છ પ્રદેશમાં આવેલી કુદરતી આફતોમાં હરહંમેશ ખડેપગે તન-મન-ધનથી સેવાની સુવાસ ફેલાવનારા સદ્ગત દામજીભાઇના આત્માની ચિર શાંતિ અર્થે ભુજની દેવલમા જીવદયા સત્સંગ સમિતિ દ્વારા અબડાસા રાતા તળાવ સ્થિત સંત વાલરામજી મહારાજ ગૌશાળામાં આશ્રિત ગૌવંશને મોટો ટેમ્પો લીલાચારાનું નીરણ કરાવીને સમિતિના અરવિંદ ગોર, વસંત અજાણી, નવીન કેશવાણી, પ્રફુલ્લ જોશી, નરેન્દ્ર મોતા તેમજ પાંજરાપોળના કૈલાસગિરિ ગોસ્વામી, વિપુલભાઇ?ભાનુશાળી વિગેરે દામજીભાઇને કચ્છીઓનાં હમદર્દ ગણાવ્યા હતા. - પ્રેરણા મેળવીએ એ જ સાચી ભાવના : દાનવીર દામજીભાઇ એન્કરવાલાની માનવ-મૂંગા જીવ અને સમાજસેવા તો અજોડ જ, પણ એમાંથી પ્રેરણા લઇ?એકાદ સેવાને જીવનમાં શક્ય તેટલું આચરણ સ્થાન આપવા સંકલ્પ કરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાય તેવું  એકલો જાને રે સંસ્થાના મગનભાઇ ઠક્કરે કહ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust