કલાની જેમ શિક્ષણ ક્ષેત્રે પણ ખત્રી સમાજ ડંકો વગાડે

કલાની જેમ શિક્ષણ ક્ષેત્રે પણ ખત્રી સમાજ ડંકો વગાડે
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 : ખત્રી સમાજ ખંતીલી કોમ છે. જાતમહેનત થકી પોતાની કામગીરીમાં વિશ્વમાં ડંકો વગાડયો છે. વાગડ ખત્રી સમાજ શિક્ષણ ક્ષેત્રે પણ ડંકો વગાડે. શિક્ષણ વગર સમાજ અધૂરો છે. સંગઠન સાથે શિક્ષણના પાયા વધુ મજબૂત થાય એવું સામખિયાળીના ગુલશને મોહમદી ટ્રસ્ટ સંચાલિત મદ્રેસામાં યોજાયેલ અખિલ કચ્છ વાગડ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત (વાગડ) દ્વારા આયોજિત આઠમા શૈક્ષણિક સન્માન કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું. આ અવસરે 350 વિદ્યાર્થી, દીની તાલીમ આલીમ, હાફિઝ, કારી ઉપરાંત ગ્રેજ્યુએટ, કલા ક્ષેત્રે એવોર્ડ મેળવનાર વાગડ ખત્રી સમાજના કારીગરોનાં સન્માન કરવામાં આવ્યા હતા. સામખિયાળી ખાતેના આ કાર્યક્રમની શરૂઆત જમાતના પ્રમુખ ખત્રી હાજી દાઉદભાઇ (ગાંધીધામ)એ આવકાર આપી પ્રવચનમાં વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન તેમને વધુ પ્રોત્સાહન આપે તેમ કહ્યું હતું. પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહે જણાવ્યું કે, જેમ ઝીણી ભીઢ્ઢી બાંધવામાં ખત્રી મહિલાઓ ચીવટ કરે છે તેમ બાળકોને પણ વધુ શિક્ષણ આપવા ચીવટતા દાખવે. લેસેસ્ટરમાં કલા માટે ડો.ની પદવી મેળવનાર અજરખપુરના ડો. ઇસ્માઇલભાઇ ખત્રીએ શિક્ષણની જ્યોત વધુ જ્વલંત કરવા જણાવ્યું હતું.આ અવસરે વિકાસભાઇ રાજગોર, ચના બાપા, રાઉમા હાજી અલારખ્યા (માણાબા), હાજી સિધિક ત્રાયા (શિકારપુર), ખમીશા હાજી ઉમર ત્રાયા (જશાપર), ખાનમામદ ભુરા (વાંઢિયા), રમજુ હાલા, ઝહીરભાઇ મેમણ (સી.એ. ભુજ), હાજી ગુલમામદ ખત્રી (લાકડિયા), હાજી હબીબભાઇ ખત્રી, હાજી દીનમામદ રાયમા (પ્રમુખ-સુન્ની મુસ્લિમ જમાત, સામખિયાળી), ખત્રી મામદભાઇ (ભચાઉ), ખત્રી હાજી અબ્દુલ કરીમભાઇ (આડેસર) વગેરે મંચસ્થ રહ્યા હતા. અંજાર ખત્રી સમાજ, ભુજપુર ખત્રી સમાજના અગ્રણી જોડાયા હતા.દીની તાલીમમાં હાફિઝ આલીમ, કારી તથા ધો. 1થી 12, ગ્રેજ્યુએટ 350 છાત્રો તથા કલા ક્ષેત્રે કાઠું કાઢનાર વાગડ ખત્રી સમાજના 15 કસબીઓના તેમજ ઉપસ્થિત રાજકીય-સામાજિક અગ્રણીઓનાં સન્માન કરાયાં હતાં. સ્થાનિક ખત્રી સમાજના ખત્રી હાજી સલીમભાઇ, ખત્રી હાજી ગફુરભાઇ, ખત્રી રફિકભાઇ?(સામખિયાળી), મોહમદ રફીક ખત્રી (અજરખપુર) વિ. ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન ફારૂક ખત્રી, એડ. હમીદ ખત્રી (ભુજ) જ્યારે આભારવિધિ દાઉદભાઇ ખત્રીએ કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust