રસિક મહેતાનાં સર્જનમાં કલમ વૈવિધ્ય હતું

રસિક મહેતાનાં સર્જનમાં કલમ વૈવિધ્ય હતું
ભુજ, તા. 1:  કચ્છના સર્જક રસિક મહેતા એક એવા સર્જક હતા કે જેમણે નર્મદની જેમ કલમના ખોળે માથું મૂકી સર્જનમાં મય રહ્યા હતા, અને માત્ર લેખનથી જ પોતાનો જીવન વ્યવહાર ચલાવતા હતા.તાજેતરમાં અહીંના  વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કચ્છના સર્જક રસિક મહેતાનાં સર્જન પર યોજાયેલા પરિસંવાદમાં તેમનાં સર્જન પર મંથન કરતાં લેખકોએ આવો સૂર વ્યક્ત કર્યો હતો.  જાણીતા સર્જક, ચિંતક અને કેળવણીકાર હરેશ ધોળકિયાએ તેમનાં ઐતિહાસિક પુસ્તકો પર પોતાનું વકતવ્ય આપ્યું હતું, જ્યાં જાણીતા કેળવણીકાર પલ્લવી શાહે  રસિક મહેતાની સામાજિક નવલકથાઓ પર  પોતાનું વકતવ્ય આપ્યું હતું.  આ અવસરે રસિક મહેતાના પુત્ર ઉત્પલ મહેતા અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. પલ્લવીબેન શાહે રસિક મહેતાનાં સમગ્ર સર્જન અંગે વાત કરતાં કહ્યું હતું કે, શ્રી મહેતાએ એકસોથી વધારે પુસ્તકો આપ્યાં છે, તેમના મોટા ભાગના પુસ્તકોમાં તે સમયની રાજકીય સ્થિતિ, આઝાદી પછીની ભારતની દશા જેને રસિકભાઈ દુર્દશા જ કહે છે, તે માટે તેમનાં હૃદયમાં જ્વાળામુખી ભભૂકે છે. એમની લગભગ નવલકથાઓમાં આ બાબત  તેમનાં સર્જનનાં અગત્યનાં પરિબળો પૈકીનું એક અગત્યનું પરિબળ જોવા મળે છે.  આમ કહી તેમણે શ્રી મહેતાની નવલકથાઓની વાત કહી હતી.જાણીતા સર્જક-લેખક હરેશભાઈ ધોળકિયાએ રસિક મહેતાની ઐતિહાસિક નવલકથાઓ અંગે વાત કરતાં  જણાવ્યું કે,  ટાગોર અને શરદબાબુનો પ્રભાવ ધરાવતા રસિકભાઈનાં સર્જનમાં અલંકૃત છતાં રમતિયાળ ભાષા જૂની અને નવી બન્ને પેઢીને આકર્ષી શકી છે એટલે જ આજેય તેઓ વંચાય  છે. મધુર ભાષાવૈભવ,  ઉર્મિલ શૈલી,  વિપુલ શબ્દભંડોળ અને રજુઆત કરવાની છટા ઉત્તમ રહી છે. આમ કહી હરેશભાઈએ એમની ઐતિહાસિક નવલકથાઓ કચ્છના રંગમોલમાં,કચ્છનો રંગજાર,  શમણાં સળગ્યાં સુહાગરાતે,  આયનામહેલ  નવલકથાઓનો પરિચય કરાવ્યો હતો.આ અગાઉ મંચસ્થ અગ્રણીઓના હાથે દીપ પ્રાગટય દ્વારા સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો  હતો. વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે આવકાર આપી પુસ્તકાલયની સાહિત્યિક પ્રવૃત્તિની વિગતો આપી હતી. સમારંભના પ્રમુખ જોરાવરાસિંહ રાઠોડે અધ્યક્ષીય પ્રવચનમાં પુસ્તકાલયની પ્રવૃત્તિને આવકારી પોતાના તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી.વડોદરાથી ખાસ હાજર રહેલા રસિક મહેતાના પુત્ર ઉત્પલ મહેતાએ પોતાના પિતાને યાદ કરવા બદલ પુસ્તકાલય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે રસિક મહેતાનાં પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું.  રસિક મહેતાનો પરિચય સંજય ઠાકરે આપ્યો હતો, જ્યારે વકતાઓનો પરિચય મંત્રી નિરૂપમ છાયાએ આપ્યો હતો.  સંચાલન મનન ઠક્કરે કર્યું હતું અને આભારવિધિ ઝવેરીલાલ સોનેજીએ કર્યા હતા. આ અવસરે પુસ્તકાલયના  કારોબારી સભ્યો પીયૂષભાઈ પટ્ટણી, કીર્તિભાઈ ખત્રી, ગૌતમ જોશી, સાવિત્રીબેન જાટ, લાલજી મેવાડા સહિત સર્જકો અને રસજ્ઞો હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust