મહામંડલેશ્વરને વેદોનું અદ્ભુત જ્ઞાન હતું

નખત્રાણા, તા. 1 : અહીંના નિષ્કલંકી નારાયણ તીર્થધામના ગાદીપતિ પૂ. મહામંડલેશ્વર સ્વામી જયરામહરિજી મહારાજ ગત રવિવારે બ્રહ્મલીન થતાં તેમને સ્મરણાંજલિ આપવાનો કાર્યક્રમ અહીંના નિષ્કલંકી નારાયણધામ સભાખંડમાં યોજાયો હતો. ક.ક. પાટીદાર સતપંથ સમાજના હોદ્દેદારો, અગ્રણીઓ, સાધુ-સંતો સહિત વિવિધ સમાજના આગેવાનો, અનુયાયીઓ, ભાવિકોએ મહારાજશ્રીને ભાવાંજલિ આપી ભાવવંદના કરી હતી. અથર્વવેદી સતપંથ સેવાશ્રમના મહંત-મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદહરિજી મહારાજ, કુંવરમા દરશડી આશ્રમના રતિબાપાએ ભાવાંજલિ આપતાં કહ્યું હતું કે, આપણી વચ્ચેથી જયરામહરિજી મહારાજ બ્રહ્મલીન થતાં ખાલીપો સર્જાયો છે, પરંતુ આત્મા અમર છે. પાંચ તત્ત્વોના બનેલા આ દેહને આખરે પંચમહાભૂતમાં વિલીન થવાનું છે ત્યારે મહારાજશ્રીનાં જીવનમાંથી પ્રેરણા લઇ તેમના બતાવેલા માર્ગો પર આપણે સૌને ચાલવાનું છે. મનુષ્ય દેહ ઉત્તમ છે. આપણા કર્મરૂપી જંગલમાં સત્કર્મો કરી ભક્તિના માર્ગે- સંતોના-સદ્ગુરુના વચને ચાલવાનું છે. સાથે તેઓ બ્રહ્મનિષ્ઠ હતા. બ્રહ્મતત્ત્વ જાણકાર તત્ત્વજ્ઞાની હતા તેમજ સામી વ્યક્તિના આત્માને જગાડતા. તેમના જવાથી સમગ્ર સતપંથ સમાજ ભાવિકોને ખોટ?પડી છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સ્વમાં જ્યોતિ સ્વરૂપે સમાવે તેવું કહી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, છેલ્લા સાતેક વર્ષથી પૂ. બાપાનો મને અનુભવ હતો. ખૂબ જ શાંત-સરળ, નિખાલસ સ્વભાવ હતો. તેમનું ધર્મપારાયણ જીવન, અનોખું વ્યક્તિત્વ તેમજ સાધુભાવ હંમેશાં યાદ રહેશે. ખોટ?પડી છે. અ.ક.ક.પા. સતપંથ?સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટના કચ્છના પ્રમુખ ડાહ્યાભાઇ ભાણજી ઉકાણીએ શ્રદ્ધાસુમન આપતાં કહ્યું કે, જયરામહરિજી મહારાજ જ્ઞાનનો ભંડાર હતા. ચારેક વેદો સાથે આપણા ધાર્મિક ગ્રંથોનું અદ્ભુત જ્ઞાન હતું. અધ્યયન હતું. સાથેસાથે સમાજમાં ધાર્મિક-આધ્યાત્મિક જાગૃતિ સાથે તેમનું સાંનિધ્ય મળે તો હૃદયના ભાવ જાગી ઊઠે. તેમણે જે દિશા બતાવી છે તેના પર આગળ વધવાની સાથે જીવનમાં તેમના આદર્શો ચરિતાર્થ કરવા જણાવ્યું હતું. મહારાજશ્રીના આ સ્મૃતિવંદના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મોભી, કચ્છી જૈનરત્ન, જાણીતા ઉદ્યોગપતિ દામજીભાઇ લાલજી શાહ (એન્કરવાલા)નું દુ:ખદ નિધન થતાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. પ્રમુખ હંસરાજભાઇ પારસિયા, જયંતીલાલભાઇ લીંબાણી, મૂળજીભાઇ ગોરાણી, પૂર્વ પ્રમુખ ગંગારામભાઇ, યુવા સંઘના પ્રમુખ જયંતીભાઇ ભીમાણી, કિશોરભાઇ વાસાણી, મહિલા મંડળના પ્રમુખ ભગવતીબેન લીંબાણી, કાનજી દાદા કાપડી વગેરેએ અંજલિ આપી હતી. સંચાલન હરસુખભાઇ?રૂડાણીએ કર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com