અમદાવાદમાં ગિલનો રન વિસ્ફોટ : ટીમ ઇન્ડિયાની શ્રેણી જીત

અમદાવાદ તા. 1 : પહેલાં યુવા ઓપનર શુભમન ગિલની આતશી-અણનમ સદી (126 રન) અને બાદમાં કપ્તાન હાર્દિક પંડયા (16 રનમાં 4 વિકેટ)ની આગેવાનીમાં કાતિલ બોલિંગની મદદથી ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 168 રને વિક્રમી વિજય થયો છે. આ સાથે જ ભારતે 2-1થી શ્રેણી કબજે કરી હતી. ટીમ ઇન્ડિયાને કિવી ટીમને સતત ચોથી ટી-20 શ્રેણીમાં હાર આપી છે. ભારતના 4 વિકેટે 234 રનના મોટા સ્કોર સામે ન્યૂઝીલેન્ડનો ધબડકો થયો હતો અને 12.1 ઓવરમાં જ 66 રનમાં સંકેલો થઇ ગયો હતો. હાર્દિકની 4 વિકેટ ઉપરાંત અર્શદીપ, ઉમરાન અને શિવમને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલે 3પ અને કેપ્ટન સેંટનરે 13 રન કર્યાં હતા. બાકીના તમામ બેટર સિંગલ ફીગરમાં આઉટ થયા હતા. ભારતની ટી-20માં 168 રનની આ સૌથી મોટી જીત છે. અગાઉ 2018માં આયરલેન્ડ સામે 143 રને જીત મેળવી હતી. અગાઉ ટોસ જીતીને પ્રથમ દાવ પસંદ કરનાર ભારતે યુવા ઓપનર શુભમન ગિલની અદ્ભુત અને આતશી અણનમ સદીની મદદથી ન્યૂઝીલેન્ડ સામે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન ખડક્યાં હતા. ટેસ્ટ અને વન ડે ફોર્મેટમાં શાનદાર દેખાવ કરનાર શુભમન ગિલે આજે ટી-20 કારકિર્દીની તેની પહેલી વિસ્ફોટક સદી ફટકારીને અણનમ 126 રન કર્યાં હતા. ગિલે તેની 63 દડાની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યાં હતા. ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં વન ડેમાં બેવડી સદી કરનાર  ગિલે આજે ટી-20માં અમદાવાદમાં રનનો ધોધ વહાવ્યો હતો. તેના અને કપ્તાન હાર્દિક પંડયા વચ્ચે ત્રીજી વિકેટમાં માત્ર 40 દડામાં 103 રનની ધસમસતી ભાગીદારી થઇ હતી. આ દરમિયાન તમામ કિવીઝ બોલરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાર્દિકે 17 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ગિલે આખરી પાંચ ઓવરમાં રનનું રમખાણ સર્જ્યું હતું. આથી ભારતના સ્કોરમાં 78 રનના ઉમેરો થયો હતો જ્યારે આખરી 10 ઓવરમાં ભારતે 132 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત નબળી રહી હતી. ઇશાન ફક્ત 1 રને આઉટ થયો હતો. આ પછી રાહુલ ત્રિપાઠીએ ખભા ઉંચકયા હતા અને 22 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી 44 રનની આક્રમક ઇનિંગ્સ રમીને ગિલ સાથે બીજી વિકેટમાં 42 દડામાં 80 રનનો ઉમેરો કર્યો હતો. સૂર્યકુમાર 13 દડામાં બે છગ્ગાથી 24 રને આઉટ થયો હતો. બ્રેસવેલ, ટિકનર, સોઢી અને મિશેલને 1-1 વિકેટ મળી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust