પૂર્વ કચ્છમાં દારૂ માટે ટેન્ડર પ્રક્રિયાની હિલચાલથી ધંધાર્થીઓમાં સળવળાટ

ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના ધંધાર્થીઓ ઘાપટ્ટામાં ધંધો કરતા હતા, પરંતુ છેલ્લા થોડાક દિવસોથી દેશી, અંગ્રેજી શરાબના પોઈન્ટ ખુલતાં લોકોમાં ભારે ચકચાર પ્રસરી છે. આ સંકુલમાં આવેલી અમુક પરમિટ શોપમાંથી પણ માલ બારોબાર વેચાતો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. પૂર્વ કચ્છના વાગડ પંથકમાં આવેલી અમુક વાડીઓમાં, ગાંધીધામના બંધ પડેલા ગોદામોમાં, અંજારની આસપાસ આવેલી જમીનોમાં જિલ્લા બહારથી આવતા દારૂની કટિંગ કરી ગંતવ્ય સ્થાને મોકલી દેવામાં આવતો હતો. ઘાપટ્ટામાં થતી આવી હેરાફેરી ક્યારેક પોલીસ ઝપટે ચડતી તો ક્યારેક માલ સાંગોપાંગ પહોંચી જતો હતો. પોલીસ અને બુટલેગરો વચ્ચે આવી સંતાકૂકડી દરમ્યાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના ધંધા તો ચાલુ જ રહ્યા હતા. ગાંધીધામના સુંદરપુરી, ખોડિયારનગર, એફ.સી.આઈ. કોલોની, ભારતનગર પાછળ રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટી, મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી, રોટરીનગર, કાર્ગો, આદિપુરના મણિનગર, ટાગોર રોડ પાસે મગર બંગલા તરીકે ઓળખાતી ઈમારતની સામે ડી.પી.એ.ની ઝાડીમાં, મુંદરા સર્કલ, જી.આઈ.ડી.સી. વગેરે સ્થળોએ પ્યાસીઓને દેશી મળી રહેતો હતો. આવામાં છેલ્લા કેટલાક દિવસોથી બુટલેગરોને જાણે છૂટ મળી ગઈ હોય તેમ રીતસર કેબિનોમાં બોટલો ગોઠવીને માલ વેચાઈ રહ્યો છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ બુટલેગરો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમુકને તો ઠેકા મળી પણ ગયા છે અને તેમણે ધંધા ચાલુ કરીને ગતિ પણ પકડી લીધી છે. ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક લોકોએ ટેન્ડર ભરી પોતાની પ્રવૃત્તિઓ ચાલુ કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં જી.એસ.ટી. કચેરીની આસપાસ, રાજવી ફાટકની આસપાસ, સુંદરપુરી વગેરે જગ્યાએ કેબિનોમાં બારની જેમ બોટલો રાખી તેનું વેચાણ થતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો બીજી બાજુ આ શહેરના ટાગોર રોડની આસપાસ તથા શહેર બહાર આવેલી અમુક પરમિટ શોપમાંથી પણ બારોબાર બોટલો પગ કરી જતી હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. આવી દુકાનોમાં સ્ટોક, રજિસ્ટર, સી.સી.ટી.વી. કેમેરા વગેરે તપાસવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે. થોડા દિવસ પહેલાં રાજ્યની એસ.એમ.સી.ની ટુકડીએ સુંદરપુરીમાંથી શરાબ પકડી પાડયો હતો, જ્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. આ પ્રકરણમાં કોઈની જવાબદારી બેસાડાઈ હોય અને કોઈને સસ્પેન્ડ કરાયા હોય તેવું કાંઈ બહાર આવ્યું નથી. હાલની ટેન્ડર પ્રક્રિયા બાદ રાજ્ય સ્તરની ટીમ ફરીથી પૂર્વ કચ્છમાં કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust