કચ્છ સીજીએસટીની આવકમાં જંગી વધારો
ગાંધીધામ, તા. 1 : આ શહેરમાં સ્થિત જિલ્લાની કેન્દ્રીય માલ અને સેવા કરની કચેરીએ જાન્યુઆરી મહિનામાં રૂા. 238.78 કરોડની આવક રળીને સમગ્ર ભારતમાં કમિશનરેટ કક્ષાની કચેરીઓમાં બીજા નંબરે સૌથી વધુ મહેસૂલ વસૂલાતની સિદ્ધિ હાંસલ કરી હતી. સીજીએસટી કચ્છ કમિશનરેટે છેલ્લા ચાર મહિનામાં સમગ્ર ભારત સરેરાશમાં ત્રણ ગણો દર વટાવ્યો છે. ઓલ ઇન્ડિયા સરેરાશ દર 10.59 રહ્યો છે, જ્યારે સીજીએસટી કચ્છે 28.35નો વૃદ્ધિદર પ્રાપ્ત કર્યો છે. ગત નાણાકીય વર્ષ દરમ્યાન આ કચેરીએ રૂા. 1900.57 કરોડની આવક સરકારી તિજોરીમાં જમા કરાવી હતી. આ આવકની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ આવક વધીને રૂા. 2076.86 કરોડ થવાની સંભાવના છે. 9.28 ટકાના વૃદ્ધિદરે આ વર્ષે સરકારને રૂા. 176.29 કરોડની વધુ આવક થવાની આશા સેવાઇ રહી છે.કચ્છ કમિશનરેટની કચેરીને પ્રારંભ થયા 98 મહિના જેવો સમય થવા આવ્યો. આ ગાળામાં એક મહિનામાં રૂા. 200 કરોડની આવક થઇ હોય તેવું માત્ર પાંચ જ વખત બન્યું છે. પરંતુ ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન એક મહિનામાં સરકારને 200 કરોડ ઉપરાંતની આવક થઇ હોય તેવું ટૂંકા ગાળામાં સાત વખત બન્યું છે. સીજીએસટી કચ્છ કમિશનરેટ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં 4959 કરદાતાઓએ રિટર્ન ભર્યા છે. જાન્યુઆરી 2022માં 186.03 કરોડની આવકની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતે રૂા. 238.78 કરોડની આવક સરકારી તિજોરીમાં જમા થઇ છે. કરદાતાઓ દ્વારા વેળાસર કર ભરાતાં પરિણામે હકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. ગત વર્ષે જાન્યુઆરી મહિનાની આવક કરતાં 28.38 ટકાની વૃદ્ધિ થતાં આ વર્ષે રૂા. 52.74 કરોડની વધુ આવક થઇ છે.આ વિક્રમજનક મહેસૂલી વસૂલાત હાંસલ થઇ શકી ન હોત, પરંતુ કચ્છ સ્થિત વેપારીઓ, ઉદ્યોગકારોએ સમયસર પોતાના વેરા ભરતાં આ શક્ય બન્યું હોવાનું કચ્છ કમિશનર પી. આનંદકુમારે જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com