નિષ્ઠા અને ધગશથી કામ કરનારની કદર થાય છે

રાયધણપર (તા. ભુજ), તા. 1 : શું વાત છે.. અમદાવાદની આઈ.ટી. કંપનીએ તેમના કર્મચારીઓને મોંઘી કાર ભેટ આપી !  આ વાત અને આશ્ચર્ય સાથેના સમાચાર છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં અને ટી.વી. ચેનલમાં ધૂમ મચાવી રહ્યા છે. પરંતુ આ સમાચારમાં હજુ કંઈક ખૂટે છે. આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીને 13 લક્ઝરિયસ કાર ભેટમાં આપી હતી. અહીં મહત્વનું એ છે કે, આ આઈ.ટી. કંપની ભલે અમદાવાદમાં હોય પરંતુ તેના સંચાલકો ભુજ તા.ના કાળી તળાવડીના વતની અને પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીરના પુત્ર વિનયભાઈ ડાંગર અને શિવજીભાઈ આહીરના જમાઈ રમેશભાઈ મરંડ છે. આ બન્ને કચ્છી આહીર યુવાનોએ પોતાના કર્મચારીઓ માટે આ પ્રકારે પ્રોત્સાહન આપીને સોશિયલ મીડિયા અને ટી.વી. ચેનલમાં ધૂમ મચાવી દીધી છે. જેમને કામ કરવું છે તેની કદર કરનારા પણ મળે જ છે અને સાચી મહેનતનું ફળ હંમેશાં સારું મળે છે તેવો સંદેશ આપતા આ કિસ્સાની વાત કરતા ત્રિદ્યા ટેક.ના ડાયરેક્ટર વિનય શિવજીભાઈ ડાંગર અને રમેશભાઈ મરંડ જણાવે છે કે કંપની પાસે હાલમાં 600 કર્મચારી છે, પરંતુ તે પૈકી જે છેલ્લા પાંચ વર્ષથી સતત કાર્યરત છે, તેઓને પ્રોત્સાહિત કરાયા છે. આ બન્ને કચ્છી યુવાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, આજે વિશ્વમાં મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે અમે કર્મચારીઓને પ્રોત્સાહિત કરી શકીએ છીએ તેનો અમને સંતોષ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust