કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં પાંચ જિંદગી પૂર્ણ
ભુજ / ગાંધીધામ, તા. 1 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં પાંચ જીવન પૂર્ણ થયા છે. માધાપરના ગોકુલધામ-બેમાં 32 વર્ષીય યુવાન વિનોદ લક્ષ્મણ કેરાઇ અંદરથી બંધ મકાનમાં મૃત મળતાં ચકચાર પ્રસરી છે. જ્યારે મુંદરા તાલુકાના ફાચરિયાના ભેડિયા પર મજૂરી કરતો મૂળ બિહારનો 22 વર્ષીય યુવાન રાધેશ્યામ ભુઆલ ગોડ ગઇકાલે રાત્રે જમીને સૂઇ ગયા બાદ સવારે ન ઊઠતાં ભેદી સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું. બીજીતરફ કોટડા (ચકાર)નો નવયુવાન 19 વર્ષીય નીતિન સામજી કોલી ઝેરી દવા ગટગટાવી મૃત અવસ્થામાં બેરાજા પાસે મળ્યો હતો. ઉપરાંત સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ નજીક શિકારપુરની સીમમાં બાલાજી હોટેલના પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં આગ ભભૂકતા ચાલક અનરજીત રામપ્રતિ બીન (ઉં.વ. 26)નું મોત થયું હતું. જયારે ગઈકાલે નવા અંજાર ખાતે 85 વર્ષીય વૃદ્ધ રોમતબેન અબ્દુલા નોડે અકસ્માતે દાઝી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મુંદરા તાલુકાના ફાચરિયામાં માંડણભાઇના ભેડિયા ઉપર એકાદ વર્ષથી મજૂરી કરતો મૂળ બિહારનો 22 વર્ષનો યુવાન રાધેશ્યામ ગોડ ગઇકાલે રાત્રે જમીને સૂઇ ગયો હતો, ત્યારબાદ તેના માસીઆઇ ભાઇએ સવારે ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ ન ઊઠતાં શેઠને જાણ કરી હતી. આથી રાધેશ્યામને મુંદરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આમ, રાધેશ્યામ સૂઇ ગયા બાદ નિદ્રામાં જ તેનું ભેદી સંજોગો વચ્ચે મોત થયું હતું. તેનું પોસ્ટમોર્ટમ કરાવાયું છે. રિપોર્ટ આવ્યે મોતનું કારણ જાણવા મળશે. હાલ પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ ગઇકાલે સાંજે મુંદરા તાલુકાના બેરાજાથી ટપ્પર જતા કાચા રસ્તા પાસે બાખડ સીમ બેરાજા નજીક કોટડા (ચકાર)નો મજૂરી કરતો નવયુવાન 19 વર્ષીય નીતિન સામજી કોલી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ અંગે પ્રાગપર પોલીસ મથકે મૃતક નીતિનના ભાઇ હરિએ લખાવેલી વિગતો મુજબ 30મીની સાંજથી 31મીની સાંજ સુધી કોઇપણ સમયે કોઇ?અકળ કારણે તેના ભાઇ નીતિને આપઘાત કરવા ઝેરી દવા પી લીધી હતી અને બેરાજા પાસે બાખડ સીમમાં મૃત મળ્યો હતો. પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ, ભુજ સમીપેના માધાપરના ગોકુલધામ-બેમાં રહેતા વિનોદ લક્ષ્મણ કેરાઇ ગઇકાલથી આજ બપોર સુધી કોઇપણ સમયે કોઇ અકળ કારણે મૃત્યુ પામ્યા હતા. માંડવીના જખણિયા રોડ પર રહેતા મૃતક વિનોદના ભાઇ નારાણભાઇને પડોશીઓએ જાણ કરતાં ઘટનાસ્થળે આવી વિનોદને આજે બપોરે સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વિનોદના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ જાણવા મળશે તેવી વિગતો માધાપર પોલીસે આપી હતી. શરીર ઉપર કોઇ નિશાન ન હોવાનું કહ્યું હતું. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જયારે ગાંધીધામની સમર્થ લિફટર્સ પ્રા. લિ.માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના અનરજીત નામના યુવાનનું ગઈકાલે રાત્રે મોત થયું હતું. આ ચાલક ટ્રક નંબર જી.જે. 12 ઝેડ 2870માં પ્લાસ્ટિકના દાણા ભરી રાજકોટ જતો આ યુવાન શિકારપુરની સીમમાં બાલાજી હોટેલના પાર્કિંગમાં ઉભો રહ્યો હતો. અન્ય ટ્રકનો ચાલક સુરેન્દ્રકુમાર તથા આ યુવાન બંને પોત-પોતાના વાહનની કેબિનમાં સુઈ ગયા હતા. દરમ્યાન અનરજીતની ગાડીની કેબિનમાંથી ધુમાડા નિકળતા આ વાહનના કાચ તોડી આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. પરંતુ આ દરમ્યાન અનરજીત દાઝી જતાં તેનું ત્યાં જ મોત થયું હતું. આ આગ કયા કારણોસર લાગી હશે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી તરફ નવા અંજારની ખત્રી કોલોનીમાં ગઈકાલે 85 વર્ષીય રોમતબેન અબ્દુલ્લા નોડે પોતાના ઘરે સુતા હતા ત્યારે અગરબત્તીના તણખાને લીધે પથારીમાં આગ લાગતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી તેઓને પ્રથમ અંજારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા ગઈકાલે રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com