સામખિયાળીમાં રાજ્ય સ્તરની ટુકડીએ હોટેલ અને ઘરમાંથી શરાબ ઝડપી પાડયો

રાપર, તા. 1 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં આજે મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ  હાઈવે ઉપર આવેલી હોટેલ અને રહેણાંક સ્થળેથી  શરાબનો જથ્થો ઝડપી  પાડયો હતો. બે આરોપી ઝડપાઈ ગયા હતા જયારે બે શખ્સ હાથમાં આવ્યા ન હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલની ટુકડીએ સામખિયાળી મોરબી હાઈવે ઉપર ઓવરબ્રીજ નીચે આવેલી ચાની હોટેલમાં દરોડો પાડયો હતો. બાદમાં સામખિયાળીના ક્રુશનગરના મોરી વાસમાં રહેણાંક મકાનમાં  તપાસ હાથ ધરી હતી. આરોપીઓ રોહીત કાનાભાઈ સુરાણી અને સોહીલ હાજીભાઈ થેબાના કબ્જામાંથી 17 હજારની કીમતનો શરાબ બીયર કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓના કબ્જામાંથી રૂ.  5,900 રોકડા, રૂ. 10 હજારની કીમતના બે મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરાયો હતો. આરોપી  અર્જુન ઉર્ફે અજુડો અને પ્રભુ જીવા બાલા નાસી ગયા હતા.  સોહેલ, અજરુદીન અને પ્રભુ લીસ્ટેડ બુટલેગર છે. રાજય સ્તરની ટુકડીની કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસ બેડામાં દોડધામ થઈ પડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust