ચર્ચાસ્પદ ગાંધીધામ પાલિકા શાહીકાંડમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ અરજી
ગાંધીધામ, તા. 1 : અહીંની નગરપાલિકાની સામાન્ય સભા પહેલાં બનેલા શાહીકાંડ પ્રકરણમાં સુધરાઈ પ્રમુખે કોંગ્રેસના પાંચ નગરસેવક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે અરજી આપી હતી. તેમજ સામા પક્ષે કોંગ્રેસના મહિલા કાઉન્સીલરે પાલિકા પ્રમુખ વિરુદ્ધ એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધાવી પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે અરજી કરી હતી. અહીંની નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે કરેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ગઈકાલે સામાન્ય સભા માટે ટાઉનહોલ ખાતે પહોંચતાં પ્રવેશદ્વાર પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા કાઉન્સીલર જયશ્રીબેન ચાવડા, અમિત ચાવડા, જગદીશ ગઢવી, સમીપ જોશી, જ્યોત્સનાબેન પ્રજાપતિ હોલનો ગેટ બંધ કરી ત્યાં ઊભા હતા. પોતે ત્યાં પહોંચતાં તેમની સાથે ગેરવર્તન, અસભ્ય ભાષાનો ઉપયોગ કરાયો હતો અને તેમને અંદર જવા દેવાયા નહોતા. અરજીમાં જણાવ્યા મુજબ જયશ્રીબેને તેમના મોઢા, હાથ, પગ, કપડાં, પર્સ?પર શાહી ફેંકી હુમલાની કોશિશ કરી હતી. પત્રમાં જણાવ્યા મુજબ મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા સાથે પણ બોલાચાલી કરી તેમને પણ બેઠકમાં હાજરી આપવા અટકાવ્યા હતા. બનાવ પછી હાજર લોકો, કાઉન્સીલરો આવી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા 12:15 વાગ્યે બેઠક ચાલુ કરવામાં આવી હતી. બનાવ બાદ પાલિકા પ્રમુખ ઈશિતાબેન તથા 25 જેટલા કાઉન્સીલરો બી-ડિવિઝન પોલીસ મથકે જઈ બનાવની જાણ કરી હતી, પરંતુ ત્યાં લેખિતમાં ફરિયાદ આપવાનું જણાવતાં તમામ લોકો પરત ફર્યા?હતા. પાલિકા પ્રમુખે ભાજપના સંગઠનને બનાવની જાણ કરી હતી. જેથી ગુનાહિત કાવતરું રચી, એકબીજાની મદદગારી કરી, પ્રમુખ અને મુખ્ય અધિકારીને બેઠકમાં હાજરી આપવા રોકી, રૂકાવટ કરી, શાહી ફેંકી, ગેરવર્તન, અસભ્ય ભાષાનો ઉપયોગ કરી, સરકારી કામમાં રૂકાવટ કરી સહિતની કલમો તળે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી.પાલિકાના વોર્ડ નં. 13ના મહિલા કાઉન્સિલર જયશ્રીબેન ચાવડાએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે અરજી કરી હતી. આ અરજીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સામાન્ય સભા યોજાનારી હતી, તેમાં પોતે તથા તેમના દીકરા અને કાઉન્સીલર અમિત ચાવડા બંને સાથે ગયા હતા. પોતે સભાસ્થળના દરવાજા બહાર ઊભા હતા. ત્યાં પાલિકામાં રજૂઆત અર્થે અલગ-અલગ વિસ્તારોના રહેવાસીઓ પણ હાજર હતા. દરમ્યાન પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી આવતાં પોતે પોતાના વિસ્તાર તથા ગાંધીધામના વિસ્તારોમાં પ્રજાને પડતી હાડમારી બાબતે રજૂઆત કરતાં ઈશિતાબેને ઉશ્કેરાઈ જઈ જાતિ અપમાનિત કર્યા?હતા. પછાત વિસ્તારોના કામો નહીં કરીએ, તમારા કામો નહીં થાય તેમ કહી ધાકધમકી કરી હતી. પ્રમુખે જાતિ અપમાનિત કરી, ધાકધમકી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં એટ્રોસિટી એકટ તળે ગુનો નોંધવા ફરિયાદ સ્વરૂપે અરજી કરવામાં આવી હતી. આ અંગે બી-ડિવિઝનના પી.આઈ. એમ. એન. દવેનો સંપર્ક કરતાં બે અરજી આવી હોવાનું તેમણે જણાવ્યું હતું અને તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com