રાપરના પોશ વિસ્તારમાં બંધ મકાનમાંથી 77 હજારની તસ્કરી

રાપર, તા. 1 : મુંદરા તાલુકામાં સામૂહિક તસ્કરીનો બનાવ તાજો છે ત્યાં રાપરમાં તસ્કરોએ કડકડતી ઠંડીમાં નાઈટ કોમ્બીંગ કરીને રહેણાંક વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને ચાંદીની  વસ્તુઓ સહિતની મતાની ચોરીને અંજામ આપ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં  ચોરીના બનાવના પગલે ચકચાર  પ્રસરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના એકતાનગરના પ્રવેશદ્વાર પાસે જ આવેલા બંધ મકાનમાં ગત તા. 29ના સાંજે 4 વાગ્યાથી આજે સવારે 9 વાગ્યાના અરસામાં ચોરીનો બનાવને અંજામ અપાયો હતો.  આરોપીઓએ  મકાનના ગેટનું તાળુ તોડીને અંદર પ્રવેશ્યા હતાં. ઘરનો તમામ સરસામાન અને ખુણે ખુણામાં સરસામાન વેરવીખેર કરી આરામથી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.તસ્કરો નીચેના બેડરૂમમાં રાખેલા  કબાટના તાળાં  તોડી 35000ની કીમતના ચાંદીના ચાર ગ્લાસ અને એક જગ,  નાના બાળકોને પીવાના ચાંદીના  બે ગ્લાસ, રૂ. 21000 રોકડા, ઉપરના રૂમમાં રાખેલી ચાંદીની રૂ.10,500ની કીમતની  બે લગડી, 3500ની કીમતના ચાંદીના સીક્કા, અન્ય ચાંદીના 12 સીક્કા સહિત 77,700ની કીમતની મતા તફડાવી ગયા હતા. ફરીયાદી જયેશ કાંતિલાલ દોશી  પરિવાર સાથે સુરત ગયા હતાં. આજે સવારે પરત ઘરે આવતા ચોરીનો બનાવ બહાર આવ્યો હતો. તસ્કરોએ ચોરી કરી સુકા મેવાની જયાફત પણ ઉડાડી હતી.  પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust