અંજાર મકલેશ્વર મંદિર ચોરીનો ભેદ ઉકેલી લેતી પોલીસ

ગાંધીધામ, તા. 1 : અંજારની ભાગોળે આવેલા મકલેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો તાગ પોલીસે મેળવી લીધો હતો. પોલીસે તપાસ હાથ ધરીને બે શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રૂા. 52,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અંજારની ભાગોળે આવેલા મકલેશ્વર મહાદેવ મંદિરમાં ગત તા. 8 અને 9 જાન્યુઆરીની રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો, જે અંગે મંદિરના પૂજારી સચિન ગોસ્વામીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બંધ મંદિરનાં તાળાં તોડી તેમાંથી આભૂષણોની તસ્કરી થઈ હતી. અંજાર પોલીસે બાતમીદારો તથા સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેના અંતે આંતરરાજ્ય ઉત્તરપ્રદેશની ટોળકીનો હાથ આ પ્રકરણમાં બહાર આવ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના મહેશ કરિયા ચૌહાણને અંજારથી તથા શિવકુમાર બુધરામ ચૌહાણને ઉત્તરપ્રદેશમાંથી પોલીસ પકડી લાવી હતી. જ્યારે હનુમાન નનકે ચૌહાણ તથા તવલા ચૌહાણ નામના શખ્સો હાથમાં આવ્યા નથી. આ ટોળકી વિરુદ્ધ ઉત્તરપ્રદેશના બિશેશ્વરગંજમાં ત્રણ તથા રહેરા બજાર પોલીસ મથકે એક એમ ચોરી, મારામારી, હથિયાર ધારાના ચાર ગુના નોંધાયેલા છે.આ શખ્સો ગાંધીધામ, આદિપુરના વિસ્તારોમાં બાગબગીચાઓમાં માળી તરીકે કામ કરી માર્ગની આસપાસ આવેલા મંદિરોમાં અગાઉ દર્શન કરી બાદમાં ચોરીના બનાવને અંજામ આપતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે તેવું પોલીસે જણાવ્યું હતું. પકડાયેલા બે શખ્સ પાસેથી જર્મન સિલ્વરના છતર, પંચવટી, બાઈક, લોખંડનું કટર, ઈલેક્ટ્રીક કટર મશીન, લોખંડની કોશ (ગણેશિયું) એમ કુલ રૂા. 52,500નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પી.આઈ. એસ. ડી. સિસોદિયા અને સ્ટાફ જોડાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust