નખત્રાણામાં વધુ એક વ્યાજખોર ઉપર ધાક બેસાડતી કાર્યવાહી
ભુજ, તા. 1 : વ્યાજખોરી નાથવા ગુજરાત સરકાર દ્વારા ખાસ ઝુંબેશ આદરાઈ હતી. આથી ઠેર-ઠેર ખાસ પોલીસના લોકદરબારો યોજાયા હતા. થોડા જ દિવસ પૂર્વે નખત્રાણામાં એક મોટા એવા વ્યાજખોરને ગિરવે મૂકેલા વિવિધ વાહનો તથા દાગીના-મોબાઈલ જેવા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધાક બેસાડતી કામગીરી થઈ હતી. ત્યારે આજે ફરી નખત્રાણામાં જ આવા એક વ્યાજખોરને 63 બાઈક, 21 ટીવી જેવી જણસો સહિત રૂા. 13,81,800ના મુદ્દામાલ સાથે ઝડપી સપાટો બોલાવાયો છે. નખત્રાણામાં અનઅધિકૃત રીતે વ્યાજવટાવનો ધંધો કરતા ઊંચા વ્યાજદર વસૂલતા આરોપી એવા હિતેશ નગીનદાસ શાહ અંગે નખત્રાણાના એએસઆઈ મુકેશ સાધુને બાતમી મળતાં નખત્રાણા નવાવાસમાં આરોપી હિતેશના ઘર તથા તેના કબજાના ધોરમનાથ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન તેમજ અંગિયાના તેના પૈતૃક મકાન પર નખત્રાણા પોલીસે ધોંસ બોલાવી હતી. આ દરોડા દરમ્યાન પોલીસે 21 નંગ ટીવી કિ. રૂા. 1,80,000, 63 નંગ બાઈક કિ. રૂા. 11,35,000, 15 નંગ મોબાઈલ કિ. રૂા. 28,000 ગેસના બાટલા 11 કિ. રૂા. 11,000 તમેજ ચાર હાર્ડડિસ્ક તથા સોના-ચાંદીના દાગીના જોખવાના ઈલેકટ્રીક વજન કાંટા નંગ ચાર જેઓની કિ. રૂા. 27,800 એમ કુલ્લે રૂા. 13,81,800નો મુદ્દામાલ કબજે કરી કલમ 102 મુજબ કાર્યવાહી થયાની વિગતો મળી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com