કંડલા એરપોર્ટને તમામ સુવિધાઓ સાથે અદ્યતન બનાવવાની ચેમ્બરની માંગ
ગાંધીધામ, તા. 1 : અહીંની અગ્રણી વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને કંડલા એરપોર્ટના વિસ્તરણ માટે મુદ્દાસર પત્ર લખી રજૂઆત કરી હતી. દેશના બે મહાબંદરો, એશિયાનું સૌથી મોટું ટિમ્બર બજાર, કાસેઝ ઉપરાંત મહાકાય સિમેન્ટ, સ્ટીલ, મીઠું, ખનિજ, ઓઈલ જેવી ઈન્ડસ્ટ્રીઝ ધરાવતું ઔદ્યોગિક મથક ગણાતો આ જિલ્લો છે. વિશ્વ ધરોહર ધોળાવીરા તથા સફેદ રણ, માંડવી બીચ, અનેક તીર્થસ્થળો ધરાવતો પ્રવાસન જિલ્લો વિશ્વના પ્રવાસન નક્શામાં સ્થાન પામ્યો છે. દશકાઓથી વિદેશમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો સામાજિક, સાંસ્કૃતિક રીતે કચ્છથી જોડાયેલા હોઈ વતનમાં આવતા હોય છે તેમજ તુણા ટેકરાના બે મેગા પ્રોજેક્ટોના કારણે આવનારા દિવસોમાં કંડલાનો માલ પરિવહન અને મુસાફર ટ્રાફિક બમણો થવાની પૂર્ણ શક્યતાઓ છે અને ભારત સરકારની નેશનલ સિવિલ એવિએશન પોલિસી 2016 અંતર્ગત હવાઈ સેવાઓને લોકો સુધી સહેલાઈથી પહોંચાડવાના તમામ પ્રયાસો કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કચ્છના સર્વાંગી વિકાસને પહોંચી વળવા, ભવિષ્યમાં કચ્છના ઔદ્યોગિક, પ્રવાસન વિકાસમાં થનારી વૃદ્ધિને અનુલક્ષીને હાલમાં કાર્યરત કંડલા એરપોર્ટને અદ્યતન બનાવવા ઉડ્ડયન મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. બોઈંગ પ્રકારના મોટા હવાઈજહાજ ઊતરી શકે તેવો રનવે, એક સાથે ઘણી બધી ફ્લાઈટોના ઉતરાણ, સુચારુ નિયમન કરવા અદ્યતન એર કન્ટ્રોલ ટાવર, પાર્કિંગ, અગ્નિશમન પદ્ધતિને અપગ્રેડ કરી અતિઆધુનિક બનાવી, 500 મુસાફરો બેસી શકે તેવા લોન્જ વિકસાવવા પત્રમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું. ત્રણ વર્ષ પહેલાં રાત્રિ ઉતરાણ શરૂ કરાયું છે. દેશના વિવિધ સેક્ટરને જોડવા કંડલા, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, સુરત, અમદાવાદની ફ્લાઈટો ચાલુ કરી ત્રણ શિફ્ટમાં ચલાવવા માટે પૂરતો સ્ટાફ, સંસાધનો ફાળવવા અગાઉના પત્રમાં રજૂઆત કરાઈ છે. એરપોર્ટના વિસ્તરણથી જિલ્લાના વિકાસને વેગ મળશે તેવું ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com