સામાજિક ભાગીદારી સાથે નવા શૈક્ષણિક સત્રથી કચ્છમાં 12 જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરૂ કરાશે

ભુજ, તા. 1 : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં સામાજિક ભાગીદારી સાથે `જ્ઞાનસેતુ ડે સ્કૂલ' શરૂ કરવાનો ઠરાવ કર્યો છે, જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓની કોમન પ્રવેશ પરીક્ષાના આધારે આગામી નવા સત્રથી ધોરણ 6માં પ્રવેશ અપાશે.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ જ્ઞાનસેતુ ડે સ્કૂલ પ્રોજેકટ હેઠળ કચ્છના દરેક તાલુકા દીઠ એક-એક તેમજ મુખ્યમથક ભુજમાં બે જેટલી આવી શાળા શરૂ કરવાનું આયોજન છે.  જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું  કે, સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કરવાના ઉદેશથી શરૂ થનારા આ જ્ઞાનસેતુ ડે સ્કૂલ પ્રોજેકટમાં શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને ધો 6થી 12 સુધી નિ:શુલ્ક અભ્યાસ કરાવાશે તેમજ છાત્રોને ભવિષ્યલક્ષી કૌશલ્યો, કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી `જી' તથા `નીટ' અને એનડીએ જેવી પરીક્ષાઓના  શ્રેષ્ઠ કાચિંગની સુવિધા પૂરી પડાશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ ખાનગી શાળાઓ સમકક્ષ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતોનું ધ્યાન રખાશે સાથે ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપૂણતાનો લાભ સરકારી શાળાના બાળકોને મળશે.રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા. 20 હજાર રિકરિંગ ખર્ચ પેટે અપાશે.રાજ્યમાં આવી 400 જેટલી શાળા પ્રસ્થાપિત કરાશે, જેમાં 500 વિદ્યાર્થીની ક્ષમતા નક્કી કરાય છે. આવી શાળાઓ શરૂ કરવા શાળાકીય સંસ્થાઓ પાસેથી અરજીઓ પણ મગાવાઈ છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust