ભચાઉના વથાણ ચોકમાં ત્રણ દુકાન તોડી પડાઈ

ભચાઉના વથાણ ચોકમાં ત્રણ દુકાન તોડી પડાઈ
ભચાઉ, તા. 31 : શહેરના વથાણ ચોકમાં આજે  નગરપાલિકા દ્વારા આદરાયેલી દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન દુકાનો અને અન્ય કાચાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.વિપક્ષ કોંગ્રેસે આ જ રીતે ભૂમાફિયાઓએ દબાવેલી ગૌચર જમીનને દબાણમુકત કરાવવા રજૂઆત કરવામાં આવી છે. શહેરના ભરચક એવા વથાણ ચોક, જયમાતાજી ચોકના ખૂણે ત્રણ દુકાનનું દબાણ થયું હતું. નગરપાલિકા દ્વારા મૌખિક સૂચના આપવામાં આવ્યા બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ દુકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઈજનેર એસ.ડી.ઝાલા અને સ્ટાફ દ્વારા બપોર સુધી આ ઝુંબેશ જારી રાખવામાં આવી હતી. સુધરાઈ પ્રમુખ કલાવંતીબેન  જોષીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત લારી ઉપર વેપાર કરતા ખાનગી, લકઝરી વાહનો પણ હટી જતાં ટ્રાફિકરહિત વથાણ ચોક  વિશાળ લાગતો હતો. નહીં તો આ ચોકમાંથી વાહનો પસાર કરવા શિરદર્દ સમાન હતું. આ કાર્યવાહીના પગલે માર્ગ ઉપરના અન્ય દબાણો દૂર થશે તેવો આશાવાદ લોકોએ વ્યકત કર્યો હતો. ભચાઉ પી.આઈ. ઝેડ.એન. ધાસુરા અને પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો.  દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ ત્રણ ગેરકાયદે દુકાનો દૂર કરવાની કાર્યવાહીને આવકારી હતી. જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં મોટા પાયે ગૌચર અને સરકારી જમીન ઉપર ગેરકાયદે સનદો બનાવી ખોટા સર્વે નંબર બનાવી મોટા દબાણો કરાયા હોવાનો અને ગેરકાયદે બિલ્ડિંગના વેચાણ  તેમજ ભાડા ઉઘરાવાય છે. આ ત્રણ દબાણની મારફત અન્ય મોટા દબાણ નિષ્પક્ષ રીતે દૂર કરવામાં આવે તેવી માંગ તેમણે પત્રમાં કરી છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust