પેપર લીક ઘટનામાં કડક પગલાં લેવાય

ભુજ, તા. 31 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (પશ્ચિમ કચ્છ જિલ્લા) દ્વારા મંગળવારે અહીં જિલ્લા સ્તરનું સંમેલન યોજાયું હતું, જેમાં વિવિધ ?સામાજિક-શૈક્ષણિક પ્રસ્તાવ પસાર કરવા સાથે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમ્યાન વારંવાર થતી પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાઓમાં જવાબદારો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા માગણી ઊઠી હતી. સંમેલનમાં અતિથિવિશેષ તરીકે પદ્મશ્રી નારાયણ જોષી, મુખ્ય વક્તા તરીકે પારસ પાંધી, વિભાગ કાર્યવાહ રવજી ખેતાણી, સ્વાગત સમિતિ અધ્યક્ષ?કલ્પેશ ગોસ્વામી, સ્વાગત સમિતિ મંત્રી મિલન સોની, પ્રાંત સહમંત્રી સંદીપસિંહ અને અંકિતભા, વિભાગ પ્રમુખ મનમીતભાઇ, વિભાગ સંયોજક શિવરાજસિંહ વગેરે સાથે સામાજિક આગેવાનો, સ્થાયી કાર્યકર્તાઓ, અનેક પ્રાધ્યાપકગણ તથા કચ્છના ખૂણેખૂણેથી 1200થી પણ વધારે છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં વિદ્યાર્થીઓને કર્તવ્યનિષ્ઠ યુવા તરીકે દેશ?અને સમાજ માટે કાર્ય કરવા આહ્વાન કરાયું હતું. છાત્ર હુંકાર કાર્યક્રમ ઉદ્ઘાટન સત્ર, પ્રસ્તાવ સત્ર, શોભાયાત્રા તથા જાહેર સભા આમ ચાર સ્વરૂપમાં રહ્યું. પ્રસ્તાવ માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લાના પ્રત્યેક કેમ્પસમાં પ્રશ્ન શોધયાત્રા કરવામાં આવી હતી, જેમાંથી આવેલ પ્રશ્નોમાંથી પ્રસ્તાવ સમિતિ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યા, જે પ્રસ્તાવોના પઠન બાદ વિભાગ પ્રમુખ દ્વારા સર્વાનુમતે પારિત કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે વારંવાર રાજ્યમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અને પેપર ફૂટવાની ઘટનાઓમાં ધાક બેસાડતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે આગામી ફેબ્રુઆરીમાં કચ્છમાં યોજાનારી જી-20 સમિતિ બેઠકને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવકારી હતી એવું કચ્છ વિભાગ સંયોજક શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com