ગાંધીધામ : ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી નહિવત્ બનતાં લોકો પરેશાન

ગાંધીધામ : ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી નહિવત્ બનતાં લોકો પરેશાન
ગાંધીધામ, તા. 31 : મિની મુંબઇ ગણાતા આ શહેર સંકુલમાં છેલ્લા લાંબા સમયથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી ન થતાં તમામ વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયા છે. હાલમાં શરદી, તાવ, ઉધરસના કેસો વધ્યા છે તેવામાં ઉકરડા પર આવતી માખીઓના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં ફેલાઇ છે. આ સંકુલના તમામ વિસ્તારોમાં અગાઉ દરરોજ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવતો હતો, પરંતુ છેલ્લા લાંબા સમયથી આ કામગીરી બંધ થઇ ગઇ છે. ખાનગી ઠેકેદાર દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અગાઉ રામલીલા મેદાનમાં આવેલા પિકઅપ પોઇન્ટ ઉપર ઠાલવવામાં આવતો હતો, પરંતુ ત્યાં ગંદકીના કારણે અનેક રજૂઆતો થતાં પ્રાંત  અધિકારીએ આ પોઈન્ટ ખાલી કરી ત્યાં દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં આ જગ્યા હજુ પણ ખાલી કરવામાં આવી નથી. હજુ પણ ત્યાં જ કચરો ઠાલવવામાં આવે છે. આ શહેર, સંકુલના ભારતનગર, સુંદરપુરી, 400 કવાર્ટર, ખોડિયારનગર, કાર્ગો વિસ્તાર, ગણેશનગર, મણિનગર, ચારવાળી, પાંચ વાળી, સિન્ધુ વર્ષા, જનતા કોલોની વગેરે વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી દરરોજ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી બંધ થઇ ગઇ છે, જેના કારણે આવા વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયા છે. અગાઉ દરરોજ આવતું વાહન હાલમાં 10-15 દિવસે એકવાર આવે છે, તેમ છતાં ખાનગી ઠેકેદારના દરરોજના બિલ બનતા હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. કચરો એકત્ર કરવા આવતા ખાનગી સફાઇકર્મીઓ કચરો નાખવા માટે જગ્યા ન હોવાથી પોતે દરરોજ ન આવતા હોવાનું જણાવે છે, પરંતુ તેમ છતાં દરરોજના બિલ બને છે તેનું શું તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા. કચરો એકત્ર કરવાની આ પ્રક્રિયા દરરોજ ન થતાં વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા થઇ પડયાં છે. શરદી, ઉધરસ, તાવની આવી ઋતુમાં કચરાના ગંજથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં ફેલાઇ છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ઘરોઘર લોકો માંદગીના બિછાને પડશે તેમાં બેમત ન હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust