અંજારમાં જેસલ-તોરલની પૂર્ણ કદની પ્રતિમા મુકાશે

અંજારમાં જેસલ-તોરલની પૂર્ણ કદની પ્રતિમા મુકાશે
અંજાર, તા. 31 : નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા નગરપાલિકાના અધ્યક્ષા લીલાવંતીબેન દિલીપભાઇ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કચેરીના મુખ્ય સભાખંડ ખાતે મળી હતી, જેમાં 50 લાખના ખર્ચે ચિત્રકૂટ સર્કલ પાસે જેસલ-તોરલની પૂર્ણ કદની પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વિવિધ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ગ્રાન્ટોમાંથી રૂા. 2.16 કરોડનાં વિવિધ વિકાસનાં કામો તથા 14મા નાણાપંચમાંથી અંદાજિત રકમ રૂા. 94.10 લાખના ખર્ચે ડમ્પિંગ સાઇટ પરના લેગેશી વેસ્ટના નિકાલ માટે સર્વાનુમતે મંજૂર કરાયા હતા.બેઠકમાં 36 સભ્યમાંથી કુલ 27 સભ્યે ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજયભાઇ ડી. પલણ, વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી. જાડેજા, કાઉન્સિલરો અનિલભાઇ પંડયા, શિવજીભાઇ સોરઠિયા, સુરેશભાઇ ઓઝા, જયેન્દ્રસિંહ જાડેજા, પાર્થભાઇ સોરઠિયા, સૈયદ મામદહુશેન ગુલામશા, અમરીશભાઇ કંદોઇ, વૈભવભાઇ કોડરાણી, નીલેશભાઇ ગુંસાઇ, ડાયાલાલભાઇ મઢવી, મયૂરભાઇ ખીમજીભાઇ સિંધવ, મુસ્તફા નૂરશા શેખ, કુંદનબેન જેઠવા, મદીનાબેન લોઢિયા, ઇલાબેન એ. ચાવડા, શિલ્પાબેન કે. બુદ્ધભટ્ટી, કલ્પનાબેન ગોર, નીતાબેન ઠક્કર, ઝંખનાબેન સોનેતા, પ્રીતિબેન માણેક, હર્ષાબેન ગોહિલ, રાજીબેન અખિયાણી, કાશીબેન ખાંડેકા ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર રંભાબેન મોહનલાલ વરૂનું અવસાન થવાથી શોક ઠરાવ કરી મૌન પાળવામાં આવ્યું હતું.શહેરની ઓળખ સમા જેસલ-તોરલની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમા અંજારથી ગાંધીધામ તરફ જતા ચિત્રકૂટ સર્કલ પાસે બ્રાસ-મેટલમાંથી રૂા. 50 લાખના ખર્ચે તૈયાર કરાશે, જે નવી ઓળખ બની રહેશે.દરમ્યાન વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યું કે, સામાન્ય સભામાં 28 એજન્ડા આયોજનના હતા. બોડી પાસે પણ માહિતી નહોતી કે તમામ ગ્રાન્ટના રૂપિયા ક્યાં વાપરવામાં આવશે, એ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. તોરલ સરોવરમાં મંજૂરી વગર એક ઇવેન્ટ કરવામાં આવી હતી તે બાબતે રજૂઆત કરતાં તે એજન્સી પર કાર્યવાહી કરવા નગરપતિએ ખાતરી આપી હતી. વોર્ડ નં. 1મા આવેલ મતિયાનગર તથા વોર્ડ નંબર પમા આવેલ જયઅંબે નગર વિસ્તારની જે સમસ્યાઓ છે તે બાબતે પણ અવાજ ઉપાડાયો હતો અને નગરપાલિકા દ્વારા જેસલ જાડેજાની પૂર્ણ કદની પ્રતિમા ચિત્રકૂટ સર્કલ પર મૂકવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચીફ ઓફિસર પારસભાઇ એચ. મકવાણા, કચેરી અધીક્ષક ખીમજી પાલુભાઇ સિંધવના માર્ગદર્શન હેઠળ સામાન્ય સભાનું સંચાલન કરવામાં આવેલું તથા નગરપાલિકાના જુદા-જુદા ખાતાના વડાઓ હાજર રહેલા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust