અમદાવાદમાં આજે શ્રેણી જીતનું લક્ષ્ય
અમદાવાદ, તા. 31 : લખનઉની બોલરોને મદદગાર પિચ પર બીજી ટી-20 મેચમાં મળેલી રોમાંચક જીતથી યુવા ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે બુધવારે અમદાવાદ ખાતે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર રમાનાર નિર્ણાયક અને ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ જીતના જુસ્સા સાથે મેદાને પડશે. હવે હાર્દિક પંડયાના સુકાનીપદ હેઠળની ટીમ 2-1થી શ્રેણી કબજે કરવા મેદાને પડશે. વર્તમાન ટી-20 શ્રેણીમાં કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના અનેક સિનિયરોને વિશ્રામ અપાયો છે. આથી યુવા ખેલાડીઓને તક મળી છે. જો કે, શુભમન ગિલ, ઈશાન કિશન અને રાહુલ ત્રિપાઠી મોકાનો લાભ ઉઠાવી શક્યા નથી. આ ખેલાડીઓ માટે ટી-20 ફોર્મેટમાં લગભગ આખરી તક છે. ઇશાન-શુભમન ટીમ ઇન્ડિયાની ભવિષ્યની યોજનાના મહત્ત્વના ખેલાડી છે. આથી તે બંને લગભગ ઇલેવનમાં જળવાઇ રહેશે, જ્યારે રાહુલ ત્રિપાઠીના સ્થાને યુવા પૃથ્વી શોને તક મળી શકે છે. ફાઇનલ સમાન નિર્ણાયક મેચમાં ભારતની બેટિંગનો કર્ણધાર સૂર્યકુમાર બનવું પડશે.બીજી મેચમાં `કુલચા' (કુલદિપ-ચહલ) કોમ્બિનેશન સફળ રહ્યંy હતું, જે અમદાવાદમાં પણ ચાલુ રહેશે જ્યારે શિવમ માવીના સ્થાને ઉમરાન મલિકને તક મળવાની સંભાવના છે.બીજીતરફ ન્યુઝીલેન્ડને પોતાના મિડલ ઓર્ડર બેટરો પાસેથી સારા દેખાવની આશા રહેશે. ભારતમાં શૃંખલા જીતવી તેમના માટે ઘણી મોટી સિદ્ધિ ગણાશે. ગ્લેન ફિલિપ્સ તેની ફટકાબાજી માટે જાણીતો છે, પણ તે હજુ સુધી આતશી બેટિંગ કરી શક્યો નથી. - નમો સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જે માટે તેનું નામ ગિનેશ બૂકમાં પણ અંકિત છે. આ સ્ટેડિયમ ભારતીય ટીમ અત્યાર સુધીમાં છ ટી-20 મેચ રમી છે, જેમાં ચારમાં જીત મળી છે અને બે મેચમાં હાર મળી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com