મુંદરા કસ્ટોડિયલ ડેથમાં માજી પી.આઇ. અને માજી સરપંચ માટેની વચગાળાની અરજી નકારાઇ

ભુજ, તા. 31 : કચ્છ અને બૃહદ કચ્છમાં જે તે સમયે ભારે ચકચારી બનેલા મુંદરા પોલીસ મથકના કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસ મથકના તત્કાલિન ઇન્સ્પેકટર જયેન્દ્રાસિંહ અનોપાસિંહ પઢિયાર માટે મગાયેલા 10 દિવસના ટુંકાગાળાના જામીનની તથા આ જ કિસ્સાના સુત્રધાર મનાતા આરોપી સમાઘોઘા ગામના માજી સરપંચ જયવિરાસિંહ વિક્રમાસિંહ જાડેજા માટે કરાયેલી 10 દિવસના વચગાળાના જામીન વધારી આપવાની માગણી જિલ્લા અદાલતે નામંજૂર કરતા ચુકાદા આપ્યા હતા. હાલે ફરજમૌકુફ એવા તે સમયના પી.આઇ. પઢિયાર માટે તેમના કાકાઇ ભાઇની પુત્રીના લગ્ન હોવાથી કન્યાદાન અને વ્યવસ્થા કરવાની હોવાના કારણોસર 10 દિવસના ટુંકા ગાળાના જામીન માગવામાં આવ્યા હતા. જયારે પત્નીની બિમારી અને અમદાવાદ ખાતે સારવાર અન્વયે તા. 22થી 31 જાન્યુઆરી સુધીના 10 દિવસના વચગાળાના જામીન મેળવનારા માજી સરપંચ જયવિરાસિંહ માટે 10 દિવસની વધારાની મુદત સાથેની માગણી કરાઇ હતી. અત્રેના પાંચમાં અધિક સેશન્સ જજ સમક્ષની સુનાવણીના અંતે આ બન્ને માગણીઓવાળી અરજી પ્રકરણની ગંભીરતા કેન્દ્રમાં રાખી નામંજૂર કરતા ન્યાયતંત્રએ આ પ્રકરણને લઇને તેનો અત્યાર સુધી કડક રહેલો રૂખ બરકરાર રાખ્યો હતો. માજી પી.આઇ. માટેની અરજીની સુનાવણી દરમ્યાન આરોપીના ભાઇઓ અને પિતરાઇ ભાઇઓની હયાતી અને તેઓ આ વીધિ કરી શકે તેમ હોવાની દલીલો સાથે ગુનાની ગંભીરતાની નજરે વચગાળાના જામીન આપી શકાય નહીં તેવા મુદદા ઉઠાવવા સાથે સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષેથી દલીલો કરાઇ હતી. તો માજી સરપંચ માટેની અરજીમાં બતાવાયેલા કારણો વજુદ વગરના હોવા સહિતના મુદદાઓ ઉઠાવાયા હતા. જેને ગ્રાહય રાખી કોર્ટ દ્વારા આ ચુકાદા અપાયા હતા. આ બન્ને સુનાવણીમાં સરકાર વતી આ કેસ માટે ખાસ નિયુકત સરકારી ધારાશાત્રી રાજકોટના અનિલભાઇ આર. દેસાઇ તથા ફરિયાદ પક્ષે અત્રેના વરિષ્ઠ    ધારાશાત્રી દેવરાજભાઇ વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી અને એસ.એસ. ગઢવી ઉપરાંત આર.એસ. ગઢવી, દેવાયતભાઇ એન. બારોટ તથા ગઢવી-ચારણ સમાજના ભુજના તમામ ધારાશાત્રી હાજર રહયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જેમની અરજી નામંજુર કરાઇ છે તે આરોપીની અરજીઓ જિલ્લા, હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલત સુધી ગુણદોષના આધારે અગાઉ નામંજુર થઇ ચૂકી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust