બિનખેતીની લાલબુકમાં નોંધ પાડવાની મનાઇથી લાખોના વ્યવહારો ઠપ
હેમંત ચાવડા દ્વારા ભુજ, તા. 30 : સિટીસર્વે કચેરી દ્વારા બિનખેતી થયેલા દરેક ઠામના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની ચાલતી કામગીરી વચ્ચે ભુજ તાલુકાના તમામ તલાટીઓને લાલબુકમાં વેચાણ-વ્યવહાર કે વારસાઈ અંગેની નોંધ ન પાડવાની મૌખિક સૂચના અપાતાં લાખોના વ્યવહારો ઠપ થઈ ગયા છે અને આ કામગીરી તબક્કાવાર હાથ ધરાય તેવી પ્રબળ લાગણી નાગરિકોમાંથી ઊઠવા પામી છે. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારના આદેશ મુજબ હવેથી બિનખેતી થયેલી દરેક મિલકતના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની કામગીરી અહીંની સિટીસર્વે કચેરી મારફતે ચાલી રહી છે, જે અંતર્ગત ભુજ સહિત તાલુકાના તમામ બિનખેતી થયેલા ઠામના પ્રોપર્ટીકાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આવી હજારો મિલકતોના પ્રોપર્ટીકાર્ડ બનાવવામાં લાંબો સમય નીકળી જાય તેમ છે, તે વચ્ચે થોડા સમય અગાઉ નાયબ કલેક્ટર સાથેની બેઠકમાં સિટીસર્વેના અધિકારીઓને મૌખિક સૂચના અપાયા બાદ અચાનક જ ભુજ સહિત તાલુકાના તમામ તલાટીઓને લાલબુકમાં પ્લોટના વેચાણ-વ્યવહાર, વારસાઈ અંગેની નોંધ પાડવા અથવા તો પ્લોટ ખરીદી મકાન બનાવવા ઇચ્છતા લોકોના નામ રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ ન કરવાના આદેશ કરી દેવાતાં મિલકતધારકો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત રાજ્ય જમીન મહેસૂલ કાયદો સને 1979ની કલમ 135ની જોગવાઈ મુજબ તાલુકાના સિટીસર્વેની હદ બહારના અને ગામતળ સિવાયની ગ્રામ્ય વિસ્તારની જમીનોના બિનખેતી પ્લોટોના વેચાણ-વ્યવહાર, વારસાઈ વિગેરેની નોંધ ગામના તલાટી દ્વારા રેવન્યુ રેકર્ડ ગામ નમૂનો હક્ક પત્રક 6માં નોંધ પાડવામાં આવે છે, નોંધ પાડયા બાદ તલાટી જેતે સબંધિત શખ્સોને જમીન મહેસૂલ કાયદાની કલમ 135ડીની નોટિસ પાઠવે છે, જો 30 દિવસમાં કોઈ વાંધો-તકરાર ન આવે તો સર્કલ ઓફિસર દ્વારા નોંધ પ્રમાણિત કરાય છે, પરંતુ અચાનક જ લાલબુકમાં નોંધ ન પાડવાની માત્ર મૌખિક સૂચના આપી કામગીરી અટકાવવી એ ક્યાંનો ન્યાય છે. ખરેખર તો જે ઠામના પ્રોપર્ટીકાર્ડ બનાવવા હોય તે જ વિસ્તારમાં નોંધ પાડવાની કામગીરી બંધ કરવી જોઈએ તેને બદલે આખા ભુજ તાલુકાના તલાટીઓને આદેશ કરાતાં પ્લોટ ખરીદી મકાન બનાવનારા, પ્લોટ વેચનારા અથવા ખરીદનાર તેમજ વારસાઈ કરાવનારા અનેક મિલકતધારકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રના આવા તઘલખી નિર્ણયથી કોરોના બાદ માંડ માંડ પાટે ચડેલા રિયલ એસ્ટેટના વ્યવસાયને કરોડોનો ધક્કો પહોંચવાનો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. દરમ્યાન સૂત્રોના જણાવ્યા અનુસાર સિટીસર્વે કચેરી પાસે એટલો સ્ટાફ પણ નથી ત્યારે એ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, પ્રોપર્ટીકાર્ડ બનાવવાનો `સંઘ કાશીએ ક્યારે પહોંચશે.' બિનખેતીના ખાતાધારકોની વાત કરીએ તો ભુજ તાલુકાના એકલા માધાપરમાં 30 હજારથી વધુ લોકો લાલબુક ધરાવે છે, જેમાંથી માત્ર પાંચેકસો પ્લોટ સિટીસર્વે કચેરીમાં નોંધાયા છે, બાકીના ક્યારે પ્રોપર્ટીકાર્ડ બને, ખરેખર તો નોંધાયેલા ન હોય તેની લાલબુકની કામગીરી ચાલુ રાખવી જોઈએ, તો ભુજ સિટીમાં 21,224 પાલરમાં તાલુકાના મીરજાપરમાં 17થી 18 હજાર તેમજ સુખપર, માનકૂવા, સેડાતા, રતિયા, કુકમા, નારણપર જેવા અનેક ગામોમાં હજારો બિનખેતીના ઠામ છે, હવે આટલી મોટી સંખ્યાના ક્યારે પ્રોપર્ટીકાર્ડ બને તે યક્ષ પ્રશ્ન છે, શું ત્યાં સુધી લાલબુકમાં કોઈની નોંધ પડશે નહીં તેવો સવાલ જાગૃત નાગરિકો-મિલ્કતધારકો પૂછી રહ્યા છે. આ અંગે પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતનો સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ઇ-ધરા અમલમાં આવ્યા બાદ તલાટીને નોંધ પાડવાની કે, સર્કલને પ્રમાણિત કરવાની સત્તા જ નથી, સરકારના ઠરાવ મુજબ બિનખેતી થયેલા ઠામોના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની સૂચના સિટીસર્વેના અધિકારીઓને અપાઈ છે. તેમ છતાં કોઈપણ મિલકતની વારસાઈ, લે-વેચની નોંધ સહિતની કામગીરી સિટીસર્વે કચેરી દ્વારા કરી આપવામાં આવશે અને તે મિલકતનું પ્રોપર્ટીકાર્ડ પણ બનાવી અપાશે. દરમ્યાન, ભુજના સિટીસર્વે સુપ્રિન્ટડેન્ટ એચ.એસ. રબારીનો સપંર્ક સાધતાં તેમણે કહ્યું કે, કચેરી દ્વારા અત્યાર સુધી 1.30 લાખ પ્રોપર્ટીકાર્ડ બની ગયા છે, જે ઓનલાઇન જોઇ શકાય છે. તો કોઇ પણ મિલકતધારક પૂરતા દસ્તાવેજો લઇ આવે તો વધુ બે-ત્રણ દિવસમાં પ્રોપર્ટીકાર્ડ બનાવી અપાય છે, તો જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ નવા એન.એ.માં 7-12 બંધ કરી નવા કાર્ડમાં નોંધ પડી જાય છે, જે ઓનલાઇન જોઇ શકાય છે.