નવી દુધઈના 450 મકાનની સનદના પ્રશ્નો હજુ ઘોંચમાં

નવી દુધઈના 450 મકાનની સનદના પ્રશ્નો હજુ ઘોંચમાં
ભાવેશ ઠકકર દ્વારા દુધઈ (તા. અંજાર), તા. 30 : અંજાર તાલુકાના દુધઈ ગામે 2001ના વિનાશક ભૂકંપ બાદ વિકાસની રફતાર પકડી છે. ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નવી દુધઈમાં બે દાયકા કરતા વધુ સમય વિતવા આવ્યો હોવા છતાં 400થી 450 મકાનધારકોને સનદનો પ્રશ્ન સરકારી દફતરમાં  ગૂંચવાયેલો પડયો છે. 2001ના ભૂકંપમાં મોટાભાગનું ગામ ધ્વસ્ત થયું હતું. આ કુદરતી આપદામાં 156 લોકો કાળને ભેટયા હતા, ભાંગી પડેલા ગામને ઊભું કરવા અને અસરગ્રસ્તોને મદદ કરવાના હેતુસર અનેક સંસ્થાઓ મેદાનમાં આવી હતી. હોનારતના ત્રીજા જ દિવસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી  અને સાંસદ ડો. સાહિલસિંહ દુધઈની વહારે આવ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ ગામથી એક કિલોમીટર દૂર નવી વસાહત બનાવી આપવાની જાહેરાત કરી હતી. ત્રણ જૂન 2001ના ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે 550થી 560 જેટલા મકાનો સાથેના ઈન્દ્રપ્રસ્થ નવી દુધઈ ગામનું લોકાર્પણ કરાયું હતું. આ ગામમાં માર્કેટ યાર્ડ, ફળભંડાર, કોલ્ડ સ્ટોરજ, સુલભ શૌચાલય, પોસ્ટ ઓફિસ, ટેલીફોન એક્ષચેન્જ, ચાર આંગણવાડી, શાળાઓ, ભૂકંપમાં મૃત્ય પામેલા લોકોની યાદમાં  શાંતિસ્થળ વિગેરે આવેલું છે. કચ્છમાં ભૂકંપથી અસરગ્રસ્ત થયેલા પરિવારો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્ધારા મકાનો બનાવી આપવામાં આવ્યા હતા. આવા મકાનધારકોને માલિકીહક અને સનદ આપવાની રાજ્યસરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. કચ્છની મુલાકાતે આવેલા તત્કાલીન મહેસૂલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ આ મુદ્દે યોગ્ય કરવાની ધરપત આપી હતી. સરકારની  જાહેરાત સંલગ્ન પરીપત્રને આઠ મહિના જેટલો વિતવા આવ્યો છે. તેમ છતાં નવી દુધઈમાં સંસ્થાના સહકારથી બનેલા મકાનના કબજેદારો માલિકીહક્કથી વંચિત રહ્યા છે. રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા મકાનોની યાદી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી હતી, જેના આધારે અંદાજિત 560 જેટલા મકાનો પંચાયતના ચોપડે બોલી રહ્યા છે. આ અંગે દુધઈના તલાટી પ્રકાશભાઈ રાવલ અને સરપંચ રીનાબેન કોઠીવારનો સંપર્ક?કરતા તેમણે જણાવ્યું હતું કે, નવી દુધઈના 400થી 450 મકાનધારકોને સનદ આપવાની ફાઈલ તાલુકા વિકાસ  અધિકારીના ટેબલે છે. વધુમાં તલાટીમંત્રીએ ઉમેર્યું હતું કે, જે લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે, તે પૈકી 160 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યાં સુધી તેમના વારસદારો આ અંગે જરૂરી સોગંદનામું રજૂ કરવા સહિતના દસ્તાવેજો પૂર્ણ નહીં કરે સનદનો પ્રશ્ન અદ્ધરતાલ રહેશે. સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બનાવી આપવામાં આવેલા મકાન પૈકી 50 મકાનના પહેલાથી પોપ્રર્ટીકાર્ડ બની ગયા છે. આ ઉપરાંત અહીંના 40થી 50 મકાન ધમડકા પંચાયતમાં આવતા હોવાથી તંત્ર ખૂદ અવઢવમાં મુકાયું છે. રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાના કો-ઓર્ડીનેટર બિજેન્દર સિંઘ દ્વારા સદર બજારમાં 170થી 175 દુકાનદારો પાસેથી જરૂરી આધારપુરાવા મંગાવવામાં આવ્યા છે. દુકાનધારકોના પણ દસ્તાવેજો બની જાય તે પ્રકારે સંસ્થાએ તૈયારીઓ આરંભી છે. આ ઉપરાંત નવી દુધઈમાં બાળઉદ્યાન, બસ સ્ટેશન, સી.સી.ટી.વી કેમેરા વિગેરે સેવાઓની જરૂરિયાત છે. આ વિસ્તારમાં ગેસની એજન્સીના અભાવે મુશ્કેલી ઊભી થાય છે. અહીં એજન્સી આપવામાં આવે તો 42 ગામને રાહતરૂપ થશે તેવું સ્થાનિકોએ કહ્યંy હતું. ગામના લોકોએ કહ્યંy હતું કે, આ ગામમાં 3.65 લાખના ખર્ચે પંચાયતઘર બન્યું છે, જેના દરવાજા આજદિન ન ખૂલતા અહીં બાવળોનો સામ્રાજ્ય છવાયું છે. વાસ્મો દ્વારા પાણીનો નવો ટાંકો બનાવવામાં આવ્યો છે, જેમાં મોટરના અભાવે ટાંકો શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. ઝડપભેર વિકસીત દુધઈને અલાયદો તાલુકા બનાવવા માટે વર્ષ 2007માં જાહેરાત કરાઈ હતી. તાલુકાના દરજ્જામાં આવતા 9થી 10 હજારની વસ્તી ધરાવતા આ ગામની બજારમાં યોગ્ય વાહનપાર્કિંગ વ્યવસ્થા સહિતની આધુનિક સેવાઓ ઝંખે છે, તેવું જાગૃત નાગરિકોએ ઉમેર્યું હતું.

© 2023 Saurashtra Trust