મહિલાઓના રક્તકણ 15 ટકા સુધી પહોંચાડવાની નેમ

ગાંધીધામ, તા. 30 : દેશની મહિલાઓના રક્તકણ 15 ટકા સુધી પહોંચાડવાની નેમ સાથે ગાંધીધામ, અંજારમાં જુદા જુદા સ્થળોએ મહિલાઓ માટે હિમોગ્લોબિન તપાસણી અને સારવાર કેમ્પ તેમજ કેન્સર જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત જે.આર. ગ્રુપ, સ્વ. સામજીભાઈ દામજીભાઈ પરિવાર તથા પરફેક્ટ રિટ્રડસ પ્રા. લિ. રાજકોટ દ્વારા અંજના હઝારે કોમ્યુનિટી ડેવલોપમેન્ટ સેન્ટર, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ તથા કુંડલિયા કેન્સર હોસ્પિટલ દ્વારા અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ, કે.જી. માણેક સ્કૂલ, ગાંધીધામ કોલજીએટ બોર્ડની તમામ કોલેજ અને અંજાર તાલુકાના ભાદ્રોઈ, સંઘડ, તુણા, માથક તેમજ ગાંધીધામ તાલુકાના શિણાય ગામની મહિલાઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં બે હજાર જેટલી મહિલાઓનું વિનામૂલ્યે હિમોગ્લોબિન તપાસી નિ:શુલ્ક ત્રણ માસની દવા આપવામાં આવી હતી. કેમ્પનું ઉદ્ઘાટન કરતાં ગાંધીધામ કોલેજીએટ બોર્ડના મુખ્ય વહીવટદાર કે. વેંકટેશ્વરલુ, સંસ્થાના ડાયરેક્ટર એલ.એચ. દરયાની, કુંડલિયા ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટી શાંતિલાલ ફળદુ વગેરે દ્વારા દેશની મહિલાઓના રક્તકણ 15 ટકા સુધી પહોંચે તેવી નેમ વ્યક્ત કરી અત્યાર સુધીમાં 3.5 લાખ મહિલાઓનું હિમોગ્લોબિન વધારવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ ગર્ભાશયના મુખના કેન્સર માટે રસીની સોધ થતાં તેની સામે 95 ટકા રક્ષણ મળતું હોવાની વાત કરી હતી. તોલાણી પોલીટેકનિક કોલેજના આચાર્ય અને પ્રોજેક્ટ હેડ એસ.આર. પરીકે મહિલાઓ અને યુવાનોમાં તંબાકુના સેવન મુદ્દે પ્રકાશ પાડયો હતો. પ્રોજેક્ટ કોર્ડિનેટર પ્રો. હાર્દિક મકવાણાએ મહિલાઓને તબિયતની કાળજી રાખવા અપીલ કરી હતી. વિવિધ ગામના સરપંચોએ આવા કેમ્પ યોજવા જણાવ્યું હતું. તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય મનીષ પંડયા, ફાર્મસીના ડો. ભરતભાઈ ચૌધરી, ટીમ્સ કોલેજના ડો. સંપદા કાપ્સે, લો કોલેજના ડો. મુરારિ શર્મા, ઈન્સ્ટિટયૂટ ઓફ કોમર્સના આચાર્ય ડો. અર્ચના કેલા, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય શુસીલ ધર્માણી તથા સંઘડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. પલકબેન ગોયલ, મીડવાઈફ શારદાબેન આહીર, આશાવર્કર ગંગાબેન રાઠોડ, ગીતાબેન વગેરેનો સહયોગ સાંપડયો હતો. અંજના હઝારે કોમ્યુનિટી ડેવલોપમેન્ટ સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસર નયનાબેન ભટ્ટે વ્યવસ્થા સંભાળી હતી.