ઘડુલીમાં વોલિબોલ સ્પર્ધામાં ભુજની નો-ફાઉલ ટીમ વિજેતા

ભુજ, તા. 28 : લખપત તાલુકાના ઘડુલી ગામે ઘડુલી વોલિબોલ ક્લબ દ્વારા સ્વ. ડી. એસ. પટેલની સ્મૃતિમાં યોજીત ઓપન વોલિબોલ ટૂર્નામેન્ટમાં 18 ટીમ વચ્ચે રોમાંચક મુકાબલા બાદ ભુજની નો-ફાઉલ ટીમ વિજેતા બની હતી. ટૂર્નામેન્ટમાં સૌપ્રથમ સ્વ. ડી. એસ. પટેલના પત્ની લીલાબેન પટેલ, હેતલબેન પટેલ તેમજ પુત્ર યોગેશ પટેલ દ્વારા ટોસ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચનમાં ગામના આગેવાન જે.ડી. પટેલ દ્વારા સ્વ. ડી. એસ. પટેલને યાદ કર્યા હતા. બિગ રાઉન્ડના અંતે ચાર ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી હતી. પાન્ધ્રો અને નો-ફાઉલ વચ્ચે સેમિફાઇનલમાં નો-ફાઉલ વિજેતા બની હતી, જ્યારે બીજી સેમિફાઇનલ ડો. મગન પટેલ ટીમ અને જાદવજી વચ્ચે સેમિફાઇનલમાં જાદવજી નગર વિજેતા બની હતી. ફાઇનલ મેચ નો-ફાઉલ ભુજ અને જાદવજી નગર વચ્ચે યોજાઇ હતી, જેમાં નો-ફાઉલ ટીમ ચેમ્પિયન બની હતી.