નખત્રાણા ખાતેથી ખસીકરણ ઝુંબેશ શરૂ

ભુજ, તા.30 : રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે. જે અનુંસધાને કચ્છથી આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે તેવું નખત્રાણા ગૌસેવા કેન્દ્ર ખાતે ખસીકરણ ઝુંબેશની શરૂઆત કરાવતા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ખસીકરણ કરવાથી નંદીઓની આક્રમતા ઘટી જશે તેથી અકસ્માતો અને લોકો પરના હુમલા ટાળી શકાશે. ઉપરાંત ખસીકરણ કરેલા નંદીઓને પાંજરોપોળ રાખવા સહમત થઇ હોવાથી સરકારના આ નવતર અભિગમથી લોકોને મોટી રાહત થશે. કે, કચ્છમાં પશુઓની સંખ્યા વધુ છે ત્યારે સરકાર કચ્છમાં ડોકટરના મહેકમ, પશુ દવાખાના, રસીકરણ સહિતના દરેક મુદે સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કચ્છનો વધુ વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ડેમમાં નર્મદાના પાણી નાખવાની યોજના સરકારે મંજૂર કરી છે જેનાથી કચ્છની કાયાપલટ થશે તેવું વધુમાં તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ નખત્રાણા ગૌસેવા કેન્દ્રને રૂા. 10,46,040, સુપાશ્વ જૈન સેવા મંડળ ભુજને રૂા. 24,50,880, સંત વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટ અંજારને રૂા. 5,13,360, કૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂા. 10,26,720, રાધાકૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂા. 9,38,400 નો ચેક અર્પણ કર્યો હતો.આ સાથે જ પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી સહાય યોજના હેઠળ રૂા. 18 હજારનો ચેક સુખપર રોહાના ભાવનાબેન પિંડોરીયાને, બકરા એકમની સ્થાપના માટે રૂ.45 હજારનો ચેક ભડલીના રવજીભાઇ મહેશ્વરીને, રૂા. 45 હજારનો ચેક કાસમ મામદ કાતીયારને તથા રૂા. 45 હજારનો ચેક જડોદરના હલીમાબાઇ પડયારને આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, પશુઓના સંવર્ધન અને પશુપાલકો માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે. ત્યારે તેનો મહત્તમ લાભ લઇને પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવીએ. અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છમાં પશુધન સામે ડોકટરોની ઘટ હંમેશા રહેતી હોય છે પરંતુ સરકાર આ બાબતે સતત ચિંતા સેવીને કામગીરી કરી રહી છે. આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પશુપાલન વિભાગના નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકરે કર્યું હતું. જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કરસનાસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રાસિંહ જાડેજા, નયનાબેન પટેલ, નખત્રાણા તાલુકા ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, નખત્રાણા તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રાસિંહ સોઢા, નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મહામંત્રી લાલજીભાઇ રામાણી, સરપંચ રિધ્ધીબેન વાઘેલા, અગ્રણી દિલીપભાઇ નરસંઘાણી, પ્રાંત અધિકારી ડો. એમ. બરાસરા, અધિક પશુપાલન નિયામક ડો. કિરણ વસાવા, વિભાગીય સંયુકત પશુપાલન નિયામક ડો. ભરતાસિંહ ગોહિલ, રાજકોટ વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર હાજર રહ્યા હતા.