પેપર ફૂટયું એથી વધુ આઘાતજનક બેરોજગારીનો આંક

દયાપર (તા. લખપત), તા. 30 : સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ પોતાના ભવિષ્યની રાહ જોતાં હોય અને વારંવાર `પેપર ફૂટી ગયું' સમાચાર સાંભળે ત્યારે કેવી વેદના થાય તે બેરોજગારને જ ખબર પડે. પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષામાં 1181 જગ્યા માટે સાડા નવ લાખ અરજીઓ આવી હતી અને સરકારે 29-1ના પરીક્ષા જાણ કરી હતી, પરંતુ મોટા ભાગના પરીક્ષાર્થીઓ પરીક્ષાના સ્થળ પર પહોંચી ગયા પછી ખબર પડી કે `પેપર ફૂટી ગયું' જાણે સાડા નવ લાખ પરીક્ષાર્થીઓનું ભાગ્ય ફૂટી ગયું. છેક છેવાડા લખપત તાલુકાના બેરોજગારો ગાંધીધામ, આદિપુર અને મધ્ય ગુજરાત સુધી પરીક્ષા આપવા ગયા હતા. વહેલી સવારના 9.30 કલાકે પરીક્ષા સેન્ટર પર પહોંચી જવાની સૂચના હોતાં દૂરના પરીક્ષાર્થીઓને આગલા દિવસે નીકળવું પડે અને સવારના મુસાફરીમાં હોય ત્યારે કોઈ ન્યૂઝ ચેનલ ન જુએ, એ તો ચાલુ બસમાં પણ વાંચવામાં શમગુલ. જયારે વાયા વાયા ખબર પડી કે, પેપર ફૂટી જતાં પરીક્ષા રદ્દ થઈ છે, ત્યારે દૂરદૂરથી આવતા પરીક્ષાર્થીઓને ધ્રાસકો પડયો હતો....! વળી શું થયું...! આટલી બધી વાંચવાની મહેતન કર્યા પછી દર વખતે પરીક્ષામાં પેપર ફૂટી જાય....! એ કેટલી બેદરકારી કહેવાય...! મોટી બેદરકારી તો એ છે કે, ભાજપ સરકાર રોજગારીની ગમે તેટલી વાતો કરે પણ 1181 જગ્યા માટે 9,50,000 અરજીઓ આવે તે દુર્ભાગ્ય છે. કેટલી બેકારી છે....! વર્ષ 2014માં રેવન્યૂ તલાટી અને ચીફ ઓફિસરના પરીક્ષા પેપર ફૂટી ગયા, વર્ષ 2015માં તલાટીનું પેપર ફૂટયું, વર્ષ 2018માં મુખ્ય સેવિકાનું પેપર ફૂટયું...! આટઆટલું થવા છતાં સરકાર સિસ્ટમ બદલાવતી કેમ નથી. હૈદરાબાદમાં આધુનિક પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાય એ ફૂટી કેમ જાય...! આમાં ચોક્કસ ગેંગ છે અને ગેંગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની છે. ઘણા તલાટીઓની ભરતીમાં લખપત તાલુકામાં આવ્યા છે, પરંતુ `માંગણા પત્રક' કોને કહેવાય, કેમ લખાય, `ઠરાવ બંધ' કેમ લખાય એ ખબર નથી. સામાન્ય નોલેજ પણ નથી. ત્યારે લાગે છે કે, આ `પેપર ફૂટયા' ના કારસ્તાન વર્ષોથી ચાલુ છે. જેની ખબર હવે પડે છે અને કચ્છના બેરોજગારો સજા ભોગવે છે. આજે પેપર ફૂટયા પછી સરકારે પરીક્ષાર્થીઓને સેન્ટરથી રીટર્ન જવા એસ.ટી. ભાડું મફત કર્યું, પણ ગુર્જર નગરી બસ માટે કોઈ પરિપત્ર ન હોતાં વિદ્યાર્થીઓને ટિકિટ આપવી પડી. આ બેદરકારીમાં પણ બેદરકારી છે. બેરોજગારોને હવે વિશ્વાસ નથી રહ્યો. કંઈ મોટું આંદોલન થાય છે. યુવાનો સડક પર આવે તે પહેલાં સરકારે સિસ્ટમમાં ફેરફાર કરવો જરૂરી છે.પેપર ફૂટી જ જાય છે. 11 પકડાયા ધરપકડ થાય...! તાત્કાલિક પગલાં ભરાશે...! આ પરિણામથી બેરોજગારને પરીક્ષાર્થીઓને શું ફાયદો...? કેટલીવાર પકડાય છે તોય `પેપર ફૂટયા'ના સિલસિલા યથાવત્ છે. હકીકતમાં સરકારના અમૂક ચોક્કસ પદાધિકારીઓ કે અધિકારીઓની રહેમ નજર વગર આ બધું અશક્ય છે.