`કંપનીમાં કામ નહીં આપો ત્યાં સુધી વીજલાઇન ઠપ કરતા રહીશું''
ભુજ, તા. 30 : કચ્છમાં ખાનગી પવનચક્કીઓ આવતાં તેમાંથી વાયર ચોરીના બનાવો ઉપરાંત કાયદેસર રીતે મળવાપાત્ર જમીન વળતરથી વધુ રકમની માંગની દાદાગીરી તેમજ હવે કંપનીમાં કોન્ટ્રાક કે કામને લઇને પણ વીજલાઇનને નુકસાન પહોંચાડવાના બનાવો સામે આવી રહ્યા છે. નખત્રાણાના ચાવડકાથી ગંગોણ વચ્ચે જતી ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિ. કંપનીની 33 કે.વી. વીજલાઇનમાં નુકસાન પહોંચાડતાં કંપનીના ફિલ્ડ ઓફિસર છોટુંસિંઘ રાજપૂતે આરોપી સુરાભાઇ રબારી અને રમેશભાઇ રબારી (રહે બંને વિથોણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ ચાવડકાના લોકેશન નં. 486 પર ફોલ્ટ આવતાં સમારકામ અર્થે ત્યાં ટીમ પહોંચતાં આરોપી સુરાભાઇએ ત્યાં આવી જણાવ્યું હતું કે, આ વિસ્તાર અમારો છે, અમને કોન્ટ્રાકથી કામ અને પૈસા આપો નહિતર અહીં કામ કરવા નહીં દઇએ, ત્યારબાદ આજ લોકેશન પર અનેક ડી.ઓ. ફયુઝ તૂટી ગયા હતા. જેની કિં. રૂા. 4,40,680ની નુકસાની થઇ છે. આ ઉપરાંત આજ લાઇનમાં અનેક વખત લંગર નાખી લાઇનને ટ્રીપ (બંધ) કરી દેવાઇ હતી. 28-1ના લાઇન બંધ થતાં ઘટનાસ્થળે જતાં ત્યાં આરોપી રમેશ આવ્યો હતો અને આ વિસ્તાર સુરાભાઇ અને તેનો હોવાનું જણાવી ગાળાગાળી કરી ટીમને ભગાડી દેવાઇ હતી. લાઇનમાં લંગર નખાતાં તે બળી ગઇ હતી. આમ તે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.