લખપત તાલુકામાં આવતા ઉદ્યોગો ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર આપે
ભુજ, તા. 30 : સરહદી લખપત તાલુકામાં આગામી સમયમાં નવા ઉદ્યોગોનું આગમન થાય તેવી હિલચાલ તેજ બની છે ત્યારે આ ઉદ્યોગ જૂથો દ્વારા સ્થાનિકોને મહત્તમ રોજગારી અને ખેડૂતોને તેમની જમીનનું પૂરતું વળતર મળે તેવા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના કામો હાથ ધરે તેવી રાજ્યના મુખ્યમંત્રી પાસે રજૂઆત કરાઇ છે. લખપત તાલુકા પંચાયતના માજી પ્રમુખ પી. સી. ગઢવીએ કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર જીએમડીસી ત્રણ નવી ખાણ તેમજ જીએમડીસી અને ખાનગીના સંયુક્ત સાહસથી સિમેન્ટ પ્રોજેક્ટ તેમજ મુંધવાય ગામે પણ સિમેન્ટ પ્રકલ્પ સ્થાપવાના ચક્રો ગતિમાન થયા છે. કેટલાક કિસ્સામાં જમીનોની ખરીદ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે ત્યારે આવી કંપનીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ લઇ તેમની જમીનનું મામૂલીના બદલે યોગ્ય વળતર આપે તેમજ જમીન વેચનાર પરિવારની બે વ્યક્તિને કાયમી નોકરી આપવાનો કરાર કરવા તેમજ સૂચિત પ્રોજેક્ટ સ્થાપનારી કંપનીએ સીએસઆર ફંડમાંથી પૂરતી રકમ ફાળવી શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધા ઊભી કરાય તો આ વિસ્તારના લોકો માટે રોજગારીના અન્ય ત્રોત પણ ખૂલશે તેવો આશાવાદ રજૂઆતપત્રમાં વ્યક્ત કરાયો છે.