ભુજ તાલુકાનાં કેટલાંક ગામોમાં વધતી જતી ગેરપ્રવૃત્તિ ઉપર તત્કાળ રોક જરૂરી

ભુજ, તા. 29 : ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગો આવતા પરપ્રાંતીયોની વસ્તી ખૂબ વધી ગઈ છે. આ પરપ્રાંતીયો પૈકી કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે. તાલુકાના શેખપીર ચોકડી, કુકમા, મિયાણીપટ્ટીના ગામડાઓ તથા આસપાસના ક્ષેત્રમાં આ સમસ્યા વકરી છે. બહારના લોકો મકાનભાડે રાખ્યા બાદ ઘણી વખત ગુના આચરી નાસી જાય છે, જેને લઈને આ વિસ્તારમાં ભય ઊભો થયો છે. આ વધતી જતી ગેરપ્રવૃત્તિઓ ઉપર તત્કાળ અંકુશની માંગ ઊઠી છે. જાણકારોના કહેવા મુજબ વધુ ભાડાની લાલચમાં મકાન ભાડે આપનારાઓથી માંડીને ગેરપ્રવૃત્તિ કરતા પરપ્રાંતીય વિરુદ્ધ કડક હાથે કામ લેવું જરૂરી છે. અનેક ગુનાઓના સંશોધનમાં પોલીસ તંત્રને પણ આ કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરપ્રાંતીયોની વધુ વસ્તીવાળા વિસ્તારોમાં પોલીસ તંત્ર સઘન કાર્યવાહી કે, તે આવશ્યક છે. થોડો સમય પહેલાં મુંદરા પંથકમાંથી શાર્પશૂટર પકડાયા પછી પોલીસે કડક પગલાં લીધા હતા, પરંતુ આવી કામગીરી બીજે ક્યાંય ન કરાઈ. પરિણામે આવી પરપ્રાંતીય શ્રમિકોની વસાહત ધરાવતા વિસ્તારોમાં ગેરપ્રવૃત્તિ દિવસાદિવસ વધી રહી હોવાની ફરિયાદ ઊઠી છે. કુકમા, શેખપીર, ગડા પાટિયા વગેરે વિસ્તારમાં આવેલા વિવિધ ઉદ્યોગોને પગલે છેલ્લા થોડા સમયથી પરપ્રાંતીય વસ્તીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા છતાં મકાન ભાડે આપતી વખતે કાળજી રખાતી નથી અને પોલીસને પણ જાણ કરાતી નથી. ઘણી વખત બે ચાર મહિનામાં જ મકાન ખાલી કરીને લોકો જતા રહે છે. ઘણા કિસ્સામાં મકાન માલિકને ભાડું પણ નસીબ થતું નથી. આવા લોકો શું કળા કરી ગયા તે જાણી શકાતું નથી. રોજગારીની આડમાં કેટલાંક ગુનાહિત માનસ ધરાવતા લોકો પોતાનો મતલબ સરી જાય એટલે નાસી જાય છે. આવા સંજોગોને લઈને જાગૃત લોકોમાં ચિંતા પ્રસરી છે. પોલીસે આ વિસ્તારમાં સઘન તપાસ કરવી જોઈએ અને મકાન માલિકો મકાન ભાડે દેવા સંદર્ભે જાહેરનામા મુજબની કાર્યવાહી કરે તે સુનિશ્ચિત કરવું આવશ્યક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

© 2023 Saurashtra Trust