પેપર લીક એ વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે વિશ્વાસઘાત સમાન
ભુજ, તા. 30 : હાલમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં અને પરીક્ષા મોકૂફ રહેતાં 10 લાખ જેટલા શિક્ષિત બેરોજગારો સાથે થયેલ અન્યાય-વિશ્વાસઘાત તથા સરકારની અક્ષમ્ય બેદરકારીની ઘટનાને વખોડાઇ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવા પેપર લીકના બનાવોથી વાલીઓ-વિદ્યાર્થીઓ તથા રાજ્યની પ્રજામાં આક્રોશ છે. રાજ્યમાં અત્યાર સુધી 12 જેટલા પેપરો લીક થવાથી પરીક્ષાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ ગયું છે. આ પેપર લીકના કૌભાંડીઓ સામે સરકારે તથા ભાજપના મુખ્યમંત્રીએ કોઇ જ નક્કર કાર્યવાહી કે તકેદારી રાખી નથી. હાલમાં ભાજપ સરકાર તાનાશાહી ઢબે શાસન ચલાવી સત્યને દબાવી રહી છે. જેની સામે પ્રજાએ સંગઠિત સ્વરૂપે બહાર આવી અહિંસક રીતે લડત ચલાવી બોધપાઠ ભણાવવો જોઈએ. નહિતર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખતમ થઇ જશે. આ બનાવ પછી ખરેખર શિક્ષણમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ એવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાઇ હતી. તો, હિન્દુસ્થાન નિર્માણ?દલ-કચ્છ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ગઇકાલે ફૂટી ગયું, જેને લઇ પરીક્ષા મોકૂફ રખાઇ. 9,54,000 જેટલા વિદ્યાર્થીઓની મહેતન પર પાણી ફરી ગયું. ભાજપના 25 વર્ષના શાસન દરમ્યાન અનેક વખત પેપરો ફૂટયા, સાથે બેરોજગાર યુવાનોના નસીબ પણ ફૂટયા હોવાનું જણાવી ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરી હતી.