ફરિયાદ અને જુબાની વચ્ચે વિરોધાભાસ થકી પાંચ વર્ષ જૂનો છેડતીનો કેસ રદ
ભુજ, તા. 30 : પાંચેક વર્ષ પૂર્વે ભુજની સહજીવન ટ્રસ્ટ નામની સંસ્થામાં સાથે નોકરી કરતી યુવતીએ સાથી કર્મચારી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી બનાવમાં નોંધાયેલી ફરિયાદ અને જુબાનીમાં તદ્દન વિરોધાભાસ જણાતાં આ કેસ રદ કરવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. કેસની વિગતો મુજબ 2017માં ભોગ બનનાર અને ભાવેશ રજનીકાંત સોની સહજીવન સંસ્થામાં સાથે નોકરી કરતા હતા અને ભોગ બનનારે ભાવેશે અભદ્ર ટિપ્પણી કરીને નોકરીના સ્થળે છેડતી કરી હોવાની ભાવેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફોજદારી કેસ જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલતા ભોગ બનનારની જુબાની અને નોંધાવેલી ફરિયાદમાં તદ્દન વિરોધાભાસ જણાઈ આવતાં ભાવશે કેસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં આ કેસ રદ (કવાસ) કરવા હુકમ કર્યો છે. આરોપી ભાવેશ તરફ ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, જિજ્ઞેશ એમ. નાયક તથા સ્થાનિકે ચિન્મય આચાર્ય, જિગરદાન ગઢવી અને રોહિત મહેશ્વરી હાજર રહી દલીલો કરી હતી.