ગાંધીધામ સંકુલમાં જોખમ બની ઝળૂંબતી અનેક ઇમારતો

ગાંધીધામ સંકુલમાં જોખમ બની ઝળૂંબતી અનેક ઇમારતો
મનજી બોખાણી દ્વારા -  ગાંધીધામ, તા. 25 : ભયાવહ ભૂકંપને 22 વર્ષ પૂર્ણ થવા આવ્યા. આ ગોઝારા દિવસને લોકો ભૂલવા માગે છે. છતાં ભૂલાતું નથી. ઉદ્યોગોથી ધમધમતા આ સંકુલમાં વસતી વધી છે, સાથો સાથ ઇમારતોની સંખ્યા પણ વધી છે. આ સંકુલમાં એક જર્જરિત ઇમારતો  આવેલી છે. આદિપુરમાં આવી જર્જરિત ઇમારતની છત પડતાં એક માસૂમ બાળકીનો જીવ ગયો હતો, પરંતુ હજુ પણ આવા બનાવોની રાહ જોવાતી હોય તેમ તંત્રની ઉંઘ ઉડતી નથી તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. મહાકાય અને ભયાનક ભૂકંપ વખતે આ સંકુલમાં કાસેઝ તથા જીઆઇડીસીના સીમિત એકમો કાર્યરત હતા, પરંતુ તે બાદ કંડલા બંદરનો વિકાસ, એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ, દેશનું સૌથી મોટું મીઠાનું ઉત્પાદન તેમજ જુદા જુદા અન્ય નવા ઉદ્યોગોને પગલે આ શહેરમાં વસતીનો વધારો પણ?થયો?છે. આવા લોકોને રહેવા માટે જુદી જુદી વસાહતો ઊભી થઇ છે. વર્ષ 2015 પહેલાં જીડીએમાં સીમિત સોસાયટીઓ નોંધાયેલી હતી, પરંતુ ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં 500થી 600 સોસાયટી નોંધાઇ ગઇ હોવાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં ભૂકંપ પહેલાં તથા ધરતીકંપ પછી બનેલી અનેક ઇમારતો જર્જરિત બની ગઇ છે. અહીંની તાલુકા પંચાયત કચેરી, પાલિકા હસ્તકની ગાંધી માર્કેટ, વેજીટેબલ માર્કેટ તથા અનેક ખાનગી ઇમારતો  લોકો ઉપર જોખમ બનીને ઊભી છે. થોડા સમય પહેલાં ઓસ્લો નજીક અરુણ દેવ ઇમારતનું  છજું પડયું હતું. સદ્ભાગ્યે તેમાં કોઇને ઇજાઓ થઇ નહોતી, પરંતુ આદિપુરના 4-બી વિસ્તારમાં થોડા સમય પહેલાં એક જર્જરિત ઇમારતનું છજું નીચે નિદ્રાધિન પરિવાર ઉપર પડયું હતું, જેમાંએક મહિલા ઘવાયા હતા, તો તેમની માસૂમ બાળકીએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. આવી જ રીતે તાલુકા પંચાયત કચેરીમાં  છતના પોપડા પડયા હતા, પરંતુ તે બનાવમાં પણ  સદ્ભાગ્યે કોઇને ઇજાઓ થઇ નહોતી. આદિપુરના ડી-સી-પાંચમાં આવેલી કોમર્શિયલ  બિલ્ડીંગ પણ  જર્જરિત થઇ ગઇ છે. ખુદ પાલિકા કચેરી પાસે  જર્જરિત થઇ ગઇ છે. ખુદ પાલિકા કચેરી પાસે આવેલી ગાંધીધામની એક ઇમારત પડું પડું છે. વચલી બજારમાં પણ એક દુકાન ગમે ત્યારે પડે તેમ છે. તેમજ સેક્ટર-1-એમાં આવેલી ઘણી બધી ઇમારતો પડે તેમ છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્ર કોઇ ગંભીર બનાવની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગે છે. જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે. ભૂકંપના આંચકા પણ આવતા રહેતા હોય છે, ત્યારે  મોત સમાન આવી ઇમારતો ગમે ત્યારે પડી શકે તેમ છે. - જિલ્લા કલેક્ટરના આદેશને ઘોળીને પી જવાયો : જર્જરિત ઇમારતોને તોડી પાડવાની કામગીરી અંગે વર્ષ 2014માં તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહને એક બેઠક બોલાવી હતી. જેમાં નગરપાલિકા વિસ્તારોમાં આવી જોખમી, જર્જરિત ઇમારતો હોય તો પાલિકાના મુખ્ય અધિકારીએ આવી ઇમારતોની સ્થિરતાની ચકાસણી તથા જરૂરી કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં આવા આદેશ મનાયા નહોતા અને આદિપુરમાં એક માસૂમનો જીવ ગયો હતો. - પાલિકા માત્ર નોટિસ આપી હાથ ખંખેરી લે છે : આવી જર્જરિત ઇમારતોને  શોધી કાઢીને પાલિકા માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે. પરંતુ બાદમાં કોઇ જ કાર્યવાહી ન કરાતી હોવાનું જાણવા મળ્યું હતું. જો આવી જર્જરિત ઇમારતો અને તેના તૂટેલા છજા વગેરે ભાગોને ત્વરીત દૂર નહીં કરાય તો આગામી સમયમાં કોઇના વ્હાલસોયાનો ભોગ લેવાશે તેમાં બેમત નથી તેવું જાગૃતો જણાવી રહ્યાં છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust